ગુજરાત વિધાનસભાની બે બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર થયાં, કડીમાં તો ભાજપે ધાર્યું નિશાન પાર પાડયું છે પરંતુ એક સમયે ભાજપનો ગઢ ગણાતી, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જ્યાંથી ભાજપ અને પછી જીપીપીમાંથી ચૂંટણી જીત્યા હતા તે વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો 17581 મતની જંગી સરસાઈથી વિજય થયો છે. પક્ષપલટા દ્વારા ભાજપે છિનવી હતી તે બેઠક જાળવી રાખવામાં ‘આપ’ સફળ થયો. જીત-હાર તો ચૂંટણીમાં થાય પરંતુ ગુજરાતમાં ભાજપ હારે તે વાત ભાજપ માટે આંચકાજનક અને પ્રજા માટે વિસ્મયકારક છે. વિસાવદરની બેઠકના પરિણામે એ પ્રસ્થાપિત કર્યું કે સત્તા, પૈસા, કાર્યકર્તા, પ્રચારકોનો કાફલો હોવા છતાં ભાજપને હરાવી શકાય છે! આ પરિણામના કારણોની પણ જે ચર્ચા છે તે ભાજપ નેતૃત્વ માટે ઘણુ મનોમંથન માગી લે છે. દેશના ચાર રાજ્યોની પાંચ બેઠકના પરિણામ જાહેર થયાં છે. ચર્ચા વિસાવદરની વધારે છે.
દિલ્હીમાંથી
પણ આમ આદમી પાર્ટીના પાટિયાં ઉતરી ગયાં પછી એમ લાગતું હતું કે હવે ગુજરાતમાં તો તેનો
ગજ ક્યાં વાગવાનો ? પરંતુ વિસાવદરની બેઠક ઉપર સાવરણો ફર્યો છે. પ્રદેશ ભાજપના પ્રમુખ
સી.આર.પાટીલ સહિતના નેતાઓનો આત્મવિશ્વાસ ખોટો સાબિત થયો છે. આખા દેશમાં ઓપરેશન સિંદૂર
સહિતની બાબતે ભાજપ તરફે વાતાવરણ છે ત્યારે વિધાનસભામાં 161 બેઠકોની તોતિંગ ક્ષમતા સાથે
બેઠેલા ભાજપે પાટીદાર મતદારોના પ્રભુત્વવાળી આ મહત્વની બેઠક પાટીદાર ઉમેદવાર હોવા છતાં
ગુમાવવી પડી છે.
ઉમેદવારની
પસંદગીમાં ભાજપે થાપ ખાધી. 2017માં આ બેઠક પર જીતેલા કોંગ્રેસના હર્ષદ રિબડિયાને,
2022માં જીતેલા આપના ભૂપત ભાયાણીને ભાજપે કેસરિયા ખેસ પહેરાવ્યા. જવાહર ચાવડાને તો
ભાજપે ‘લીલા તોરણે’ આવકાર આપ્યો જ હતો. પરંતુ આ ચૂંટણીમાં સાવ ચોથા જ વ્યક્તિને ટિકિટ
આપી. સાચા કે ખોટા તે તો રાજકારણમાં નક્કી ન થાય, પરંતુ કિરીટ પટેલ ઉપર સહકારી ક્ષેત્રમાં
અને અન્ય રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ હતા. એક પત્ર તો મૂળ કોંગ્રેસી અને પછી ભાજપ સરકારમાં
મંત્રી રહેલા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ જ લખ્યો હતો. વિસાવદર બેઠક પરથી ચૂંટાયેલા
અન્ય ઉમેદવારોએ પક્ષપલટો કર્યો તેનો ઉપયોગ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ
કેજરીવાલ સહિતનાએ પ્રચારમાં કર્યો અને કહ્યું કે ગોપાલ પક્ષપલટો નહીં કરે.
ગોપાલ
ઇટાલિયાનો પોતાનો પ્રચાર સાતત્યપૂર્ણ હતો. ગામડે ગામડે તેઓ છેલ્લા છ માસમાં ફર્યા હતા.
ભાજપને આંતરિક ખટરાગ, પક્ષપલટા સામે પ્રજાનો વિરોધ અને ભ્રષ્ટાચારના આક્ષેપો નડી ગયા.
જાહેર સભાઓમાં છવાઈ જતા ગોપાલ, વિધાનસભામાં કેવો દેખાવ કરે છે તે જોવાનું છે. બીજી
તરફ કડી મતવિસ્તારની બેઠક ઉપર તો ભાજપને ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે. રાજેન્દ્ર ચાવડા
જીત્યા છે. જો કે ભાજપ માટે વિસાવદરનો ઘા વસમો છે. કોંગ્રેસે તો બધે બધું ગુમાવ્યું
છે. વિસાવદરમાં ભાજપની હારથી હરખાતી કોંગ્રેસે હવે પોતાની જીતની ખુશી માટે પ્રયાસ કરવાના
છે. કોંગ્રેસ ફરી નિષ્ફળ થઈ છે તેનું પ્રમાણ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું તાત્કાલિક
રાજીનામું છે.
આમ
આદમી પાર્ટીની જીતથી ભાજપ સંગઠન અને સરકાર માટે થોડી પીછેહઠ જેવી સ્થિતિ છે પરંતુ ગુજરાતની
રાજનીતિ ઉપર આ પરિણામની દૂરોગામી અસર પડવાની શક્યતા આજની સ્થિતિએ દેખાતી નથી. એક અભિપ્રાય
એવો પણ છે કે આ વર્ષના અંતે આવી રહેલી મહાનગરપાલિકાઓની ચૂંટણી અને 2027ના અંતે યોજાનાની
વિધાનસભા ચૂંટણીમાં જો આપ થોડો જીવંત હોય તો કોંગ્રેસને વધારે રાજકીય પછડાટ મળે તેવો
પણ ભાજપનો દૃષ્ટિકોણ હોઈ શકે.
ભાજપના
એકચક્રી શાસનની ગતિમાં એક અવરોધ જરૂર આવ્યો છે. પ્રજાની મુશ્કેલી, પ્રશ્નો જેવી બાબતોની
ક્યાંક અવગણના તો નથી થતી ને? તે વિચાર તો પક્ષે આ પરિણામ પછી કરવો રહ્યો. દેશના અન્ય
રાજ્યોમાં પેટાચૂંટણીના આજે પરિણામ આવ્યાં છે. કેરળમાં યુડીએફના ઉમેદવાર કોંગ્રેસના
આર્યદન શૌકતે સીપીઆઈએમના એમ.સ્વરાજને હરાવ્યા છે. પંજાબની લુધિયાણા વેસ્ટ બેઠક ઉપર
આમ આદમી પાર્ટીના સંજીવ અરોરા જીત્યા તે તો બરાબર પરંતુ તેઓ રાજ્યસભામાં છે હવે જ્યારે
તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારે તેમની બેઠક ખાલી થતાં અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જઈ
શકે.
પશ્ચિમ
બંગાળમાં કોમી રમખાણની ઘટનાઓ પછી પણ તૃણમૂલના અલિફા અહેમદે ભાજપના આશીષ ઘોષને હરાવ્યા
છે. નજીકના ભવિષ્યમાં બિહારની ચૂંટણી યોજાવાની
છે. ભાજપ અને અન્ય પક્ષો તેની તૈયારી કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પછી ફરી એકવાર ભાજપ
માટે વાતાવરણ બંધાયું છે પરંતુ દક્ષિણના રાજ્યો અને પશ્ચિમ બંગાળમાં હજી ભાજપ સંઘર્ષશીલ
છે. બંગાળના મુર્શિદાબાદની ઘટનાઓ પછી પણ ત્યાં ટીએમસીના ઉમેદવાર ચૂંટાયા છે એટલે દર
પાંચ વર્ષે યોજાતી ચૂંટણીઓમાં તો મુદ્દા અલગ અલગ હોય જ છે પરંતુ પેટા ચૂંટણીના સમિકરણ
પણ અલગ પડે છે તે આજે જાહેર થયેલા પરિણામમાં સ્પષ્ટ જોઇ શકાયું. વિસાવદરની બેઠકના જ
ભૂતકાળના અને આજના સરસાઇના આંકડા પણ તે જ વાતની ગવાહી પૂરે છે.
આ પરિણામો
જો કે અપેક્ષિત છે. જ્યાં જ્યાં જે પક્ષની સત્તા હોય ત્યાં પેટાચૂંટણીમાં વિપરિત પરિણામ
જવલ્લે આવે. ગુજરાત પૂરતી વાત સીમિત રાખીએ તો આપ વિસ્તરે નહીં તે ધ્યાન ભાજપે રાખવાનું
છે. કોંગ્રેસે સખત પરિશ્રમ હજી ચાલુ રાખવાનો છે.