અમેરિકાએ ઇરાનનાં ત્રણે અણુમથકો ઉપર બૉમ્બમારાથી હુમલો કર્યા પછી પૂરી દુનિયામાં એક જ પ્રશ્નની ચર્ચા અને ચિંતા છે - શું હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે? અણુયુદ્ધ થશે? આ પ્રશ્નનો જવાબ ગણતરીના દિવસોમાં મળી જાશે. અમેરિકાના સંભવિત - અથવા તો - નિશ્ચિત હુમલાની શક્યતા હતી જ અને અમેરિકી નેવીના વિશાળકાય યુદ્ધજહાજો અને સબમરીનનો કાફલો ગોઠવાયો ત્યારે રાહ જોવાતી હતી કે ક્યારે? પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ મુનીરે વૉશિંગ્ટન જઈને ટ્રમ્પને આશા આપી હશે કે ઇરાનને સમજાવીશું - અથવા તો ખાતરી આપી હશે કે ઇરાનને મદદ નહીં કરીએ! ટ્રમ્પને હવે ભાન થશે કે પાકિસ્તાનનો ભરોસો કેટલો થાય?! ઇરાને અમેરિકાને ધમકી આપી હતી કે દખલ કરશો તો અમે જવાબ આપીશું. રશિયાએ પણ ચીનને સાથે રાખીને અમેરિકાને ચેતવણી આપી હતી. હવે રશિયા ઝૂકાવશે? જોખમ ખેડસે? ચીન ઉતાવળમાં આંધળુંકિયા કરે નહીં. યુરોપની અણુસત્તાઓ ડિપ્લોમસી - વાતચીત અને વાટાઘાટની તરફેણ કરે છે. ભારત - વડા પ્રધાન મોદીએ પણ ઇરાનને કોઈ પગલાં ઉતાવળથી નહીં લેવાની અને વાટાઘાટની સલાહ આપી છે. પણ ઇરાન કહે છે અમારા અણુ કાર્યક્રમની ચર્ચા નહીં થાય! હકીકત એ છે કે ઇરાન અણુસત્તા બનવા માગે છે અને તેના નિશાન ઉપર ઇઝરાયલ છે. ઇઝરાયલ માટે અસ્તિત્વનો સવાલ છે તેથી ઇરાનનાં અણુમથકો ખતમ કરવા માગે છે.
ઇરાનને
ખાતરી હતી કે લડાઈ લાંબી ચાલશે એટલે જ ભારતીય વિદ્યાર્થીઓ અને વસાહતીઓને હેમ-ખેમ ભારત
પહોંચાડવા માટે અૉપરેશન સિંધુ માટે સહકાર આપ્યો. ઇઝરાયલ પણ ભારતની દોસ્તી નભાવે છે.
અમેરિકાના નેવી કાફલાની વાતમાં યાદ આવે છે બાંગ્લાદેશ લડાઈ વખતે પાકિસ્તાનના નેવું
હજાર સૈનિકોએ જાન બચાવવા ભારતની શરણાગતિ કરી હતી - ત્યારે અમેરિકાના પ્રમુખ નિક્સને
એમની નેવીના સાતમા કાફલાનું યુદ્ધજહાજ - એન્ટરપ્રાઇસ મોકલ્યું હતું - પાકિસ્તાનની વહારે
પણ આપણી ડેલીએ હાથ દીધા વિના વીલા મોઢે પાછું ફર્યુ હતું!
અમેરિકા
પહેલેથી કહે છે કે ઇરાનમાં ત્રીસ વર્ષથી સર્વસત્તાધીશ બનેલા આયાતોલ્લાહ અલી ખોમૌનીને
સત્તાભ્રષ્ટ - દૂર કરીને અન્ય ફ્રેન્ડલી નેતાને બેસાડાય તો ઇઝરાયલ સાથે સમજૂતી થઈ શકે.
ઇરાકના સરમુખત્યાર સદામ હુસૈનની હાલત કેવી થઈ તે ઇરાન અને દુનિયાએ જોયું છે. ઇરાનમાં
ખોમૌનીની સલામતી માટે એમને ઊંડા ભોંયરામાં રાખવામાં આવ્યા છે અને સેનાના કમાંડરો સાથે
વાત કરવા માટે વચમાં અન્ય વ્યક્તિને રાખી છે જેથી મોબાઇલ અથવા અન્ય સંદેશા પકડીને એમના
ઉપર હુમલો થાય નહીં. આયાતોલ્લાહે પણ જો એમની હત્યા થાય તો ત્રણ સિનિયર મુલ્લાઓની પસંદગી
કરીને એમને સત્તા સોંપવાનું ‘વીલ’ બનાવ્યું છે! અર્થાત્ આદેશ આપ્યા છે. ફિરહાલ તો એમણે
ઇઝરાયલ ઉપર મિસાઇલ હુમલા વધાર્યા છે - હવે અમેરિકાના એક પણ માણસને અમે ક્યાંય પણ છોડશું
નહીં એવી ધમકી આપી છે.
આમ
છતાં ઇઝરાયલ ઉપર ખુન્નસ ઉતારશે. અમેરિકાએ બૉમ્બથી મથકો ઉડાવ્યાં છે, પણ નાગરિકો ઉપર
હુમલા કર્યા નથી. અણુશક્તિનો વિનાશ અર્થે પ્રસાર થાય નહીં તેની ચિંતા છે - એવો બચાવ
કરી શકે છે, પણ ભારત - પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાના દાવા સહિત વિશ્વમાં પાંચ
સ્થળે યુદ્ધ અટકાવ્યા હોવાથી શાંતિ માટેનો નોબલ એવૉર્ડ મળવાની આશા - અભરખો હતો તે પંપાળીને
પરપોટો મોટો કર્યો હતો - હવે ટ્રમ્પ કહે છે ના મળે તો કાંઈ નહીં.
હવે
અમેરિકાએ ઇઝરાયલના બચાવ માટે પગલાં ભરવાં પડશે. અમેરિકી નૌકાદળના કાફલા ઉપર યમનના હૂતી
બળવાખોરોએ હુમલા કરવાની ધમકી આપી છે - આ સિવાય ઇસ્લામી દેશો શાંતિની અપીલ કરી રહ્યા
છે તેથી અચાનક - ઇરાનના નામે વિશ્વયુદ્ધ શરૂ નહીં થાય એવી આશા રાખીએ, પણ આ સાથે પાકિસ્તાન
પરિસ્થિતિનો અને ટ્રમ્પની મહેરબાનીનો લાભ ઉઠાવીને ભારત સામે દુ:સાહસ નહીં કરે એવી આશા
ભલે હોય - ભરોસો થાય નહીં.