• મંગળવાર, 01 જુલાઈ, 2025

દર વર્ષે ચોમાસામાં ‘ઊગી નીકળતી’ સમસ્યા

સૌરાષ્ટ્રમાં ચોમાસાની શુકનવંતી શરૂઆત થઈ છે. મોટાભાગના વિસ્તારમાં પહેલા જ તબક્કે પર્યાપ્ત કહી શકાય તેવો વરસાદ વરસી ગયો છે. જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલીક જૂની સમસ્યા પુન: દેખાઈ રહી છે. વરસાદની ઋતુમાં સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારનો ભેદ જ ભૂંસાઈ જતો જોવા મળે. તૂટેલા રસ્તા, મુખ્ય માર્ગો ઉપર ગાબડા, પુલનું તૂટવું એ બધું વર્ષો પૂર્વે હતું એ જ છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. સિંચાઈ માટે પણ પાણી હવે મળી રહે છે, ફરિયાદો ઓછી થઈ છે પરંતુ રસ્તા અને વીજળીના પ્રશ્નો હજી એવા ને એવા છે.

સૌરાષ્ટ્રમાં હજી તો વરસાદનો પ્રથમ તબક્કો છે, એમ કહીએ કે ચોમાસાનો ‘પહેલો રાઉન્ડ’ છે ત્યાં જ શહેરી વિસ્તારમાં રસ્તા તૂટયા છે. મુખ્યમાર્ગ કહેવાય તેના ઉપર મોટા ગાબડા, ખાડા દેખાઈ રહ્યા છે. વાહનોનું આયુષ્ય જોખમાઈ જાય તે રીતે રસ્તા ખરાબ છે. સ્થાનિક વહીવટીતંત્રે પાઈપલાઈન કે અન્ય કામો માટે ખોદેલા રસ્તાનું સમારકામ થયું નથી. વરસાદ જૂનના બીજા સપ્તાહમાં આવશે જ તે નક્કી હોય તેમ છતાં આગોતરું આયોજન કરીને વરસાદના આગમન પહેલાં કામ આટોપી લેવાયાં નથી. અમદાવાદનો સરખેજ ગાંધીનગર હાઈ-વે કે રાજકોટનો 150 રીંગરોડ તો શહેરની આધુનિકતાના, માળખાંકીય સુવિધાના પ્રતીક છે પરંતુ ચાર ઈંચ વરસાદે ત્યાં પણ નદી-તળાવ સર્જાય છે. નગર રચના આયોજન દરમિયાન પાણી વહી શકે તેનું કોઈ આયોજન શા માટે કરાયું નહીં હોય? રાજકોટમાં તો  ઉપનગરો મુખ્ય નગરમાં ભળ્યાં ત્યારે અનેક વોકળા બૂરી દેવાયા હતા જ્યાં અત્યારે સોસાયટી ઊભી છે.

સૌરાષ્ટ્રમાં સાવરકુંડલાના હિપાવડકા ગામે પાણીના ધસમસતા પ્રવાહને લીધે પૂલ તૂટતાં ગામ વિખૂટું પડી ગયું હતું. પુલની ક્ષમતા ચકાસવાનો તંત્રને સમય નહીં રહ્યો હોય! સુરેન્દ્રનગરમાં રસ્તાઓ ઉપર ગાબડાં છે. જૂનાગઢમાં આ સમસ્યા પ્રતિવર્ષ સર્જાય છે. શહેરમાં પ્રવેશતાં જ હિમાલયન કાર રેલીના કપરા માર્ગ જેવો અનુભવ વાહનચાલકને થાય છે. મધ્યમકક્ષાના શહેરો કે નગરમાં જ આ સ્થિતિ નથી. રાજકોટમાં પણ ભૂવા પડે છે, રસ્તામાં વાહન ગરક થઈ જાય તે રીતે અચાનક તૂટે છે. હાઈ-વેની સ્થિતિ તો અત્યંત ખરાબ થાય છે. પ્રશ્ન એ છે કે તમામ ક્ષેત્રે ટેક્નોલોજીમાં આગળ વધેલું પ્રશાસન રસ્તા ન તૂટે તેવું પ્રબંધન કેમ કરી શક્યું નથી? જે કોન્ટ્રાક્ટર રસ્તા બનાવે તેમના ઉપર કડક નિયંત્રણ હોવું જોઈએ. ગુણવત્તા સાથે જરા સરખું સમાધાન થવું જોઈએ નહીં.

ડામર અને પાણીને વેર છે તેવું વર્ષોથી કહેવાય છે, આ વાસ્તવિકતા પણ છે પરંતુ જ્યારે આપણે બીજી ઘણી બધી બાબતોમાં ટેક્નિકલી આગળ હોઈએ ત્યારે આ ધરાતલની સમસ્યાનો શું કોઈ ઉકેલ નહીં હોય? શહેરી વ્યવસ્થાપન પણ એવાં છે કે બે-ચાર ઈંચ વરસાદમાં રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જાય છે. જે રસ્તાઓ ઉપર અદ્યતન ‘બીઆરટીએસ’ કે ઈલેક્ટ્રિક બસ દોડે છે, જ્યાં જરા ઉપર નજર કરીએ તો મેટ્રો ટ્રેન દોડે છે ત્યાં રસ્તા તૂટેલા છે, સરોવર કે નદી જેવા છે. આધુનિકતા અને અસુવિધાનો આવો સમન્વય ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં માર્ગોની સલામતી અને ટકાઉપણું શા માટે પ્રશાસનની અગ્રતા ન હોય? કુદરતી કે માનવસર્જિત દુર્ઘટના તો પરદેશમાં પણ બને છે, જ્યાં વરસાદ વધારે અને કોઈ પણ ઋતુમાં પડે છે ત્યાં પણ રસ્તાની આવી દશા નથી થતી. આપણે ત્યાં લાખો રૂપિયાનો શહેરી સુવિધાનો કર કે પછી કરોડોનો ટોલટેક્સ વસુલાયા પછી પણ દર વર્ષે રસ્તા ધોવાઈ જવાની, પાણી ભરાવાની સમસ્યા યથાવત્ રહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક