ભારત - પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો સતત કર્યા પછી હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુલાંટ કેમ મારી? ટ્રમ્પનાં બોલ અને ચાલ પારખતા નિરીક્ષકોને આશ્ચર્ય નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે સાફ શબ્દોમાં કહી દીધું કે, તમારી કોઈ ભૂમિકા નથી, કોઈ વાત કે ચર્ચા થઈ નથી અને અમે કોઈની મધ્યસ્થી સ્વીકારતા નથી - ત્યારે ટ્રમ્પ સાહેબ જરા ચોંકી ગયા. અલબત્ત, તાત્કાલિક તો એમણે જૂની રેકર્ડ વગાડી પણ પછી વિચાર કર્યો હશે કે આ વિવાદ લાભમાં નથી. એમણે ધાર્યું નહોતું કે મોદી આવા મક્કમ છે અને આપણા વિરોધી નેતાઓ વારંવાર કહેતા હતા કે સરકારના પ્રવક્તા નહીં મોદીએ જાતે ખુલાસો કરવો જોઈએ. પણ મોદીએ સમય - મુરત જોઈને ટ્રમ્પની સામે જ ખુલાસો કર્યો - રદિયો આપ્યો.
સંજોગો
કેવા હતા કે પાકિસ્તાની ફિલ્ડ માર્શલ મુનીર વ્હાઈટ હાઉસમાં વિશિષ્ટ મહેમાન હતા અને
ટ્રમ્પના ‘ડીએનએ’માં છે કે ગરજે ગધેડાને બાપ કહેવા જોઈએ! મુનીર પણ જાણે છે કે ટ્રમ્પને
શાંતિ માટે નોબેલ પ્રાઈઝ મેળવવાની ઘણી ઈચ્છા-ચળ છે. તેથી સમય જોઈને એમણે વાત વહેતી
મૂકી કે ભારત - પાકિસ્તાન વચ્ચે અણુયુદ્ધ રોકવામાં ટ્રમ્પે ભાગ ભજવ્યો છે. એમને આ શાંતિ
પ્રાઈઝ મળવું જોઈએ.
ભારત
કહે છે કે ટ્રમ્પની ભૂમિકા જ નથી. ત્યારે વિવાદ વધારવાને બદલે એમણે ભારત સાથે પાકિસ્તાનના
વખાણ કર્યા. મુનીર સાથે મોદી - બે ‘સ્માર્ટ’ નેતાઓએ અણુયુદ્ધ ટાળ્યું! અને બંને સાથે
વ્યાપાર કરાર કરવાની ઉતાવળ - ઉત્સાહ પણ બતાવ્યો.
બીજી
બાજુ રશિયાના પુતિને પણ સમય પારખીને ઈરાન - ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થી કરવાનો ‘મમરો’ મૂક્યો!
અને ચીનને સાથે રાખીને જાહેરાત કરી. ચીનનો ભય અમેરિકાને પણ છે જ. મધ્યસ્થીનો સ્વીકાર
થાય ત્યારે ખરો પણ અત્યારે તો અમેરિકા ઈરાન સામે મેદાનમાં કે આકાશમાં ઉતરવાની ઉતાવળ
કરવા માગતું નથી. ટ્રમ્પે તો જરૂરી પગલાં ભરવાનો નિર્ણય લીધો છે - લઈ રાખ્યો છે, પણ
આદેશ આપ્યો નથી. બે સપ્તાહ રાહ જોવા માગે છે - રાહ કોની જોવા માગે છે? પાકિસ્તાન ઈરાનને
સમજાવે - ટ્રમ્પ સામે લડવામાં માલ નથી - ‘સમય’નું મહત્ત્વ છે - થોભો અને રાહ જુઓ. અલબત્ત,
ઇઝરાયલ મક્કમ છે અને ઈરાનનાં અણુસંશોધન કેન્દ્રો ખતમ કરી શકે તો સ્થિતિ બદલાશે. આ દરમિયાન
અમેરિકા ફૂંફાડા મારે પણ ડંખવાની ઉતાવળ નહીં કરે એમ જણાય છે.