• મંગળવાર, 01 જુલાઈ, 2025

ટ્રમ્પે મુનીરને વ્હાલા કેમ ગણ્યા ?

કહીં પે નિગાહેં કહીં પે નિશાના

યુદ્ધવિરામ માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દબાણ કર્યું હોવાના ટ્રમ્પના દાવાને રદિયો આપ્યો હોવા છતાં ટ્રમ્પ વારંવાર રેકોર્ડ વગાડે છે કે મારા દબાણથી ભારતે યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો. ટ્રમ્પ વારંવાર શા માટે જાહેરમાં આવો દાવો કરે છે? અલબત્ત - માત્ર યશ ખાટવા માટે કરે છે એમ માની શકાય નહીં - એમની ગણતરી ઊંડી - છે! પાકિસ્તાનને બચાવ્યાની છાપ ઊભી કરીને - ચીન કરતાં અમેરિકા વધુ મદદગાર છે એમ બતાવે છે. બીજું- પાકિસ્તાની લશ્કરના વડા ફીલ્ડ માર્શલ મુનીરને ‘ઉપકારવશબનાવીને ‘જીતીલીધા, - રાજદ્વારી કુનેહથી મનાવી-પટાવી લીધા છે. ઈરાનને મદદ નહીં કરે - એવી શરતથી બાંધી લેવા માગે છે. આમ ટ્રમ્પે ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાનાકૂટનીતિ અપનાવી છે! દબાણ ભારત ઉપર નહીં, પાકિસ્તાન ઉપર છે અને પાકિસ્તાન માટે આ અગ્નિ-પરીક્ષા છે.

હવે ટ્રમ્પ કહે છે - આઈ લવ પાકિસ્તાન ! અને ફીલ્ડ માર્શલ મુનીરને આમંત્રણ આપીને વોશિંગ્ટન બોલાવ્યા. ટ્રમ્પ પોતે પણ કૅનેડાથી વહેલા વોશિંગ્ટન પહોંચ્યા કારણ કે તાત્કાલિક મુદ્દો ઈરાનનો છે અને હવે ટ્રમ્પની પ્રતિષ્ઠા દાવ ઉપર છે. મુનીર ઉપર એટલું બધું વહાલ ઊભરાય છે કે એમને ભોજન માટે વિશેષ અતિથિ બનાવ્યા. નોંધપાત્ર બાબત એ છે કે ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન શરીફને બોલાવ્યા નથી - કારણ સૌ જાણે છે કે વડા પ્રધાન કઠપૂતળી છે અને સત્તા મુનીરના હાથમાં છે!

મુનીરનો ઉપયોગ કરવા માટે એમને ‘માન્યતાઆપીને માન-પાન-ખાન અપાય છે. ટ્રમ્પના હાથમાં બે ટ્રમ્પ કાર્ડ- હુકમનાં પત્તાં છે. અમેરિકા ઈરાન ઉપર આક્રમક હુમલો કરવા માટે પાકિસ્તાનના આકાશનો ઉપયોગ કરવા માગે છે. બીજું - પાકિસ્તાન પાસે અણુશત્રોનો ભંડાર છે - અમેરિકાની મહેરબાનીથી છૂપાં મથક બંધાયાં છે. (ભારત તેના ઉંબરે પહોંચી ગયું તેથી અમેરિકાને ફાળ પડી હતી અને પાકિસ્તાનને આદેશ આપ્યો કે ભારત પાસે યુદ્ધવિરામ માગો. આ દબાણ પાકિસ્તાન ઉપર હતું.) હવે પાકિસ્તાન ઈરાનને કોઈ મદદ કરે નહીં - એવી શરત - અથવા ‘દબાણછે અને મુનીરે તે સ્વીકારવું જ પડે. ઈરાનને કોઈ ઈસ્લામી દેશનું સમર્થન અને શસ્ત્ર સહાય મળે નહીં - ‘ઈસ્લામી જગતમાં અલગ-થલગ પડી જાય. વિશેષ કરીને પાકિસ્તાન ‘તટસ્થઅલગ થઈ જાય તો ઈરાન અમેરિકા સામે ટકી નહીં શકે.

અમેરિકાએ મુનીર ઉપર મદાર રાખ્યો તેનું કારણ છે. ઈઝરાયલ-ઈરાન સંઘર્ષ શરૂ થયા પછી પાકિસ્તાને પહેલ-વહેલાં ઈઝરાયલી આક્રમણ વખોડીને ઈરાનને ટેકો આપવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાની સંસદમાં વિદેશ પ્રધાન ઈશાક ડારે ઈરાનને ટેકાની જાહેરાત કરી છે અને સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે તો તમામ મુસ્લિમ દેશોએ સાથે મળીને ઈઝરાયલ સાથેના સંબંધ તોડી નાખવાની હાકલ કરી અને ઈસ્લામી દેશોના સંગઠનની તાકીદની બેઠક બોલાવીને ઈઝરાયલ સામે મોરચો ઊભો કરવાની હિમાયત કરી છે. જરૂર પડે ત્યારે - પાકિસ્તાન ઈરાનને અણુશત્ર આપશે એવા અહેવાલોને સંરક્ષણપ્રધાને ‘ખોટાગણાવ્યા છે કારણ કે, એમને અમેરિકાના ખોફની ખબર છે!

પાકિસ્તાની વડા પ્રધાન અને સંરક્ષણપ્રધાન ઈરાન વિરુદ્ધ અમેરિકાને સહકાર આપવાની હિંમત-સાહસ કરી નહીં શકે - એવી ખાતરી અમેરિકાને છે તેથી મુનીરને પસંદ કર્યા છે. આમ પણ પાકિસ્તાનના પહેલા સરમુખત્યાર અયુબખાન - 1959માં- અમેરિકાના માનીતા હતા અને તે પછી પણ લશ્કરના હાથમાં સત્તા હોવાથી અમેરિકાને વધુ ફાવે છે!

ટ્રમ્પ તો ‘અમેરિકા ફર્સ્ટકહે અને કરે પણ આપણા દેશમાં વિપક્ષી કૉંગ્રેસના નેતાઓ માટે ભારતનો પ્રેમ કેટલો છે? ઇન્ડિયા ફર્સ્ટ છે? પહલગામ અને અૉપરેશન સિંદૂર અંગે શંકા વ્યક્ત કરતાં આક્ષેપાત્મક નિવેદનો-ટ્રમ્પના દાવાની જેમ કર્યા જ કરે છે! હવે વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને ટેલીફોનમાં મોઢામોંઢ કહી દીધું કે, ભારતને મધ્યસ્થી મંજૂર નથી અને યુદ્ધવિરામ અંગે તમારી સાથે કોઈ વાત થઈ નથી. ઉપરાંત અૉપરેશન સિંદૂર હજુ ચાલુ છે - બંધ થયું નથી - આ છેલ્લો મુદ્દો મહત્ત્વનો છે અને અમેરિકી દાવાનો છેદ ઉડાવે છે.

આટલી ચોખ્ખી વાત થઈ ગયા પછી કૉંગ્રેસના પ્રવક્તા કહે છે આ વાત મોદીએ સંસદમાં અથવા સર્વપક્ષી બેઠક તાત્કાલિક બોલાવીને કહેવી જોઈએ - આવી માગણીથી કૉંગ્રેસ શું કહેવા માગે છે? કે મોદીએ આવો સ્પષ્ટ જવાબ આપ્યો નહીં હોય? તો શું હવે રાહુલ ગાંધી ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવા જશે?

ટ્રમ્પે મુનીરને બોલાવ્યા અને જમાડયા એટલે વિરોધી નેતાઓને પેટમાં ચૂંક ઉપડી છે - મોદીની પીછેહઠનાં ગાણાં ગાઈ રહ્યાં છે. પણ વિદેશનીતિ નહીં સમજતા ‘બાબાલોગને શું કહેવું? ટ્રમ્પની ગપ્પાંબાજી પાછળ વ્યૂહ-ગણતરી આપણે જાણીએ- સમજીએ છીએ. ના સમજે વોહ? અનાડી હૈ!...

 

ઇ-પેપરના નવા શુલ્ક