ઇરાન
અને ઇઝરાયલ વચ્ચેનાં યુદ્ધને પાંચ દિવસ વીતી ગયા છતાં બંને તરફ પ્રતિશોધની ભભૂકતી જ્વાળાઓ
વચ્ચે જાનમાલની મોટી ખુવારી થઇ રહી છે. ઇઝરાયલના મંત્રીએ કહ્યું છે કે, તેમને ઇરાનના
નાગરિકો સાથે કોઇ વેર નથી, પણ તેહરાન કે બીજાં શહેરોમાં બજાર વચ્ચે, એપાર્ટમેન્ટસ પર,
જાહેર સરકારી ઇમારતો પર ખાબકતા મિસાઇલો-બોમ્બ સેંકડો જીવનનો સોથ વાળી રહ્યા છે, જેમાં
ફૂલ જેવાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો સામેલ છે.
ઇરાન
તરફથી આકરો જવાબ મળતાં ઇઝરાયલ પણ આવી જ પરિસ્થિતિ ભોગવી રહ્યું છે, તેલ અવીવમાંય તેહરાન
જેવી જ હાલત છે. ઇમારતો ખંડર બની છે. અનેક જગાઓ પર આગની જ્વાળાઓ ભભૂકી રહી છે. ઇઝરાયલ
સામે અસ્તિત્વનું સંકટ છે. ઇરાન 1950થી પરમાણુ કાર્યક્રમ ચલાવે છે અને અમેરિકા સહિત
અનેક પશ્ચિમી દેશો સાથે ઇરાન પરમાણુ કરારથી બંધાયેલું હતું, પણ તમામ કરાર રદ કરવા પડયા
કેમ કે, ઇરાન ચોરીછૂપીથી યુરેનિયમથી વીજળીને બદલે અણુબોમ્બ બનાવવા લાગ્યું હતું. આ
આરોપ નથી હકીકત છે. ધૂંધવાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી કે, ઇરાન માનશે નહીં તો તેને
બરબાદ કરી દેવામાં આવશે. સામી બાજુ ઇરાન અમેરિકા, ફ્રાંસ, બ્રિટન, જર્મનીને ચેતવણી
આપી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય અણુ એજન્સીની તાજેતરની બેઠકમાં 19 દેશોએ ઇરાનની પરમાણુ
નીતિ વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. મે- 2025ના એક હેવાલમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો
હતો કે, ઇરાન બહુ જલ્દી 22 અણુબોમ્બ બનાવવાની ક્ષમતા મેળવી લેશે.
ઇરાને
અણુ કાર્યક્રમ સંબંધિત આંતરરાષ્ટ્રીય નીતિ-નિયમોનું ધરાર ઉલ્લંઘન કર્યું છે. ડોનાલ્ડ
ટ્રમ્પની ધાકધમકી અને ઇઝરાયલનું ઉતાવળે આક્રમણ પાછળનું કારણ એ જ છે. ઇઝરાયલી વડાપ્રધાન
નેતન્યાહુ સહિત કેટલાક વિશ્વ નેતાઓ દૃઢપણે માને છે કે, ઇરાન 9-10 અણુ બોમ્બ બનાવી ચૂકયું
છે, આ ભયાનક વાત છે. ઇરાની બોમ્બ ન માત્ર ઇઝરાયલ બલ્કે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની
જેવા દેશો માટે પણ ખતરો છે. મધ્યપૂર્વ અને પશ્ચિમ એશિયામાં પણ સુરક્ષાની સમતુલા બદલાઇ
શકે છે. યુદ્ધમાં ઇરાને પણ ઇઝરાયલ પર અંદર સુધી મિસાઇલમારો કરીને ભારે ખુવારી સર્જી
છે. તેના આ તેવર ચોંકાવનારા છે. ધૂંધવાયેલા નેતન્યાહુએ તેહરાન પર કાળો કેર વર્તાવવો
શરૂ કર્યો છે અને ઇરાનના રાષ્ટ્રપતિ ખોમૈનીને સદ્દામ હુશેન જેવા હાલ કરવાની ચીમકી આપી
છે. આ સંઘર્ષ લોહિયાળ અને વિનાશક દિવસોનાં એંધાણ આપે છે. સંઘર્ષમાં નિ:સંદેહ ઇઝરાયલ શક્તિશાળી પુરવાર થયું
છે. ડોનાલ્ડ ટ્રમ્પનું તેને ભરપૂર સમર્થન છે.
વિશ્વ
નેતાઓ હાકલા-પડકારા કરે છે. ખોમૈની-ટ્રમ્પ કે નેતન્યાહુના ડંખીલા અભિમાની બોલ પરિસ્થિતિ
વણસાવે છે. આ યુદ્ધથી બંને દેશના હજારો નિર્દોષ?લોકોને મોટી કિંમત ચૂકવવી પડી રહી છે.
આખી પેઢીનું અસ્તિત્વ ખતરામાં છે. યુદ્ધનાં વરસતાં વાદળ વહેલી તકે વિખેરાય એ દુનિયાના
હિતમાં છે અન્યથા પરમાણુ રસાવનું ટીક.... ટીક... ઝળૂંબી રહ્યું છે.