દેશની
જાતિ આધારિત રાજનીતિમાં ચર્ચા અને વિવાદનો મુદ્દો બની રહેલી જાતિગત વસ્તી ગણતરીનો માર્ગ
મોકળો બન્યો છે. ગૃહપ્રધાન અમિત શાહે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ ભારત સરકારે
જાહેરનામું બહાર પાડયું છે. દેશ આઝાદ થયા પછી પ્રથમ જ વાર જાતિ આધારિત વસ્તી ગણતરી
થશે.
વસ્તી
ગણતરી અતિમહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. દેશના વિકાસ માટે જરૂરી છે. આમ તો, 2021માં નિયમાનુસાર
વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ કોવિડ મહામારીને લીધે તેની તૈયારી ન થઇ?શકી. આમ, આ પ્રક્રિયા
વિલંબથી થતી હોવાથી તેની અગત્યતા વધી જાય છે. દેશ અને દુનિયાએ ડિજિટલ યુગમાં પ્રવેશ
કરી લીધો છે તેની અસર સેન્સસ પ્રક્રિયામાંય જોવા મળશે. પહેલી જ વાર મોબાઇલ ઍપ્લિકેશનના
ઉપયોગ દ્વારા ડિજિટલ રીતે હાથ?ધરવામાં આવશે. ભારત જેવા વિરાટ?રાષ્ટ્ર માટે આ મોટો વ્યાયામ
છે. લોકોને પૂરતી સમજણ આપવી પડશે અને સહાયતા કેન્દ્રો પણ ઊભાં કરવાં પડશે.
કેન્દ્ર
સરકારના જણાવ્યા અનુસાર સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પહેલા તબક્કામાં
ચાર પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને લદાખ સામેલ છે. આ કામગીરી
પહેલી અૉક્ટોબરથી થશે. એ પછી ફેબ્રુઆરી, 2027માં બીજું ચરણ શરૂ કરીને એક મહિનામાં પહેલી
માર્ચ સુધી કામગીરી પૂર્ણ કરી લેવાશે. જાતિગત વસ્તી ગણતરી પ્રક્રિયામાં 34 લાખ ગણનાકાર
અને નિરીક્ષકો ઉપરાંત એક લાખ 30 હજાર કાર્યકર્તાની સેવા લેવામાં આવશે. પ્રક્રિયા ડિજિટલ
હોવાના લીધે ડેટા સંગ્રહ અને વિશ્લેષણમાં ઝડપ થશે. વસતી ગણતરી 1971 પછી પહેલી જ વાર
લોકસભા બેઠકોના સીમાંકન માટેનો આધાર બનશે. નોંધનીય છે કે, 84મા બંધારણીય સુધારા (2002)
મુજબ લોકસભા બેઠકોની સંખ્યામાં 2026 સુધી ફેરફાર સામે મનાઈ ફરમાવવામાં આવી છે. અંદાજ
એવો છે કે, 2027ની વસ્તી ગણતરીના આધારે લોકસભા બેઠકોની સંખ્યા 543થી વધીને 848 થઇ શકે
છે. નિષ્ણાતો માને છે કે, લોકસભા અને ધારાસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો અમલ પરિસીમન
પછી શક્ય બની શકશે. સવાલ એ છે કે, 2029ની લોકસભા ચૂંટણી પૂર્વે આ જટિલ અને તકરારી પ્રક્રિયા
પૂરી થઇ શકશે ખરી ?
પ્રસ્તાવિત
વસ્તી ગણતરીથી દેશની જનસંખ્યાની સ્પષ્ટ વિગતો તો મળશે જ, સાથે સામાજિક-આર્થિક વિકાસ
યોજનાઓ અને નીતિઓ માટે મહત્ત્વપૂર્ણ ડેટાબેઝ બનશે. વળી, જાતિ આધારિત ગણતરી થવાથી સામાજિક-આર્થિક
અસમાનતા સમજવામાં અને પછાત વર્ગોના ઉત્થાન માટે યોજનાઓ-નીતિ ઘડવામાં મદદ મળશે. જાતિગત
ગણતરીથી સામાજિક વિભાજન અને સંઘર્ષ વધી શકે છે. વિરોધ પક્ષ કૉંગ્રેસે આ પ્રક્રિયામાં
તેલંગણા મોડેલ અપનાવવા સૂચવ્યું છે જેમાં ફક્ત જાતિની ગણતરી જ નહીં, જાતિવાર સામાજિક
અને આર્થિક સ્થિતિને લગતી વિસ્તૃત વિગતો પણ આવરી લેવામાં આવી છે.
ભારત
વિરાટ?લોકતંત્ર છે, ધર્મનિરપેક્ષતા અને સામાજિક-સમતોલ વિકાસ આપણી લોકશાહીની મૂળભૂત
ભાવના છે. એક સમયે કૉંગ્રેસ અને ખાસ તો રાહુલ ગાંધી જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ
કરતા, જેને કેન્દ્રની એનડીએ સરકાર ગણકારતી
નહીં. એ પછી કેટલાંક રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્રની મોદી સરકારે જાતિગત
વસ્તી ગણતરીનો નિર્ણય લઇને મોટો રાજકીય દાવ રમ્યો. ભારતમાં સમાજ, જુદી-જુદી જ્ઞાતિઓ
ક્યાં ઊભી છે ? સર્વગ્રાહી વિકાસ માટે ક્યાં કેટલી જરૂર છે એ બધું સુરેખ આયોજન વસ્તી
ગણતરી પછી સંભવ બનશે.