• મંગળવાર, 21 જુલાઈ, 2026

73 તાલુકામાં મેઘમહેર, 6 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

ગિરનારમાં એક, ભેસાણ-જેતપુરમાં અડધો ઇંચ સહિત દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી ) અમદાવાદ, તા.19 ગુજરાતમાં લાંબા વિરામ બાદ અષાઢી બીજથી મેઘરાજાએ ફરીથી વરસાદી માહોલ જમાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે, ત્યારે આજે પણ રાજ્યના 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું છે. ગિરનાર પર્વત તથા જુનાગઢ શહેર અને જિલ્લામાં સવારથી વરસાદી ઝાપટા શરૂ થયા હતા. ગિરનાર પર્વતમાં એક ઈંચ ,ભેસાણમાં અડધો જુનાગઢ સહિત જિલ્લાભરમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા.

દક્ષિણ ગુજરાતના વલસાડ, કપરાડા, સુરત સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી પાંચ- દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી અૉપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો, આજે વલસાડ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં પારડી તાલુકામાં સૌથી વધુ 75 મિ.મી (2.9 ઈંચ) ધોધમાર વરસાદ ખાબક્યો છે. સિવાય કપરાડામાં 38 મિ.મી (1.5 ઈંચ), નાનાપોંઢામાં 31 મિ.મી (1.2 ઈંચ), ધરમપુરમાં 22 મિ.મી, વલસાડમાં 11 મિ.મી., વાપીમાં 11 મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આગામી 25 જુલાઈ સુધી તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક