ઇસરોએ લીધેલી તસવીરોમાં દેશના લગભગ બે તૃતીયાંશ ભાગ પર વાદળ
નવી દિલ્હી, તા. 19 ઃ દેશભરમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. 19મી જુલાઈના ઈસરો દ્વારા લેવામાં આવેલી સેટેલાઈટ તસવીરોમાં દેશભરમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં, ભારતના લગભગ બે તૃતીયાંશ વિસ્તારને ગાઢ વાદળોએ ઘેરી લીધો છે. જમ્મુ - કાશ્મીરથી શરૂ કરીને ગંગાના મેદાની વિસ્તારો, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર - પૂર્વીય રાજ્યો સુધી ચોમાસાંનાં વાદળો ફેલાયેલાં છે, જેને પગલે હવામાન વિભાગે આગામી સમયમાં ભારે વરસાદ અને વાવાઝોડાંની શક્યતા વ્યક્ત કરી છે.
સેટેલાઈટ વિશ્લેષણ અનુસાર દેશમાં સૌથી વધુ ગીચ વાદળો ઉત્તરીય મેદાનો એટલે કે પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ પર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, અરબી સમુદ્રમાંથી આવતા ભેજયુક્ત પવનોને કારણે દક્ષિણ દ્વીપકલ્પમાં પણ વાદળોની લાંબી પટ્ટીઓ સર્જાઈ છે. બીજી તરફ, પશ્ચિમ રાજસ્થાન અને તમિલનાડુના કેટલાક ભાગોમાં હજુ પણ આકાશ સ્વચ્છ છે. સેટેલાઈટની ઇન્ફ્રારેડ છબીઓમાં જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં લાલ અને જાંબલી રંગના અત્યંત ઠંડા અને ઊંચા તોફાની વાદળો સ્પષ્ટપણે નજરે પડી રહ્યાં છે.
ચોક્કસ આગાહી માટે ભારતીય હવામાન વિભાગ ઈસરોના ખાસ વેધર સેટેલાઈટની મદદ લે છે. ઈસરો દ્વારા નિર્મિત ઈંગજઅઝ-3ઉછ ઉપગ્રહ પૃથ્વીથી 36,000 કિલોમીટર
ઉપર ભૂસ્થિર ભ્રમણ કક્ષામાં રહીને દર અડધા કલાકે ભારતની હાઈરિઝોલ્યુશન તસવીરો મોકલે છે.
બે ખાસ કેમેરાની કમાલ વિઝિબલ ચેનલ ઃ આ કેમેરો સૂર્યપ્રકાશના પ્રતાબિંબને કેપ્ચર કરે છે. તસવીરમાં વાદળો જેટલા વધુ સફેદ અને તેજસ્વી દેખાય, તેટલા જ તે વધુ જાડા અને વરસાદી હોવાનું સાબિત થાય છે.
થર્મલ ઇન્ફ્રારેડ ચેનલ ઃ 10.8 માઇક્રોમીટરની
આવર્તન પર કામ કરતો આ કેમેરો પ્રકાશને બદલે ગરમી માપે છે. તે દિવસ-રાત સતત કાર્યરત રહીને વાદળની સપાટીનું તાપમાન માપે છે, જેનાથી વાદળોની ઊંચાઈ અને તોફાનની તીવ્રતા જાણી શકાય છે.
હવામાન વિભાગ આ સેટેલાઈટ ડેટાના આધારે દેશના જુદાં-જુદાં રાજ્યો માટે એલર્ટ જાહેર કરી રહ્યું છે અને બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.