વન ડે અને ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ મેજબાન ટીમને 34 રને હરાવી T-20 શ્રેણી જીવંત રાખી
નવી
દિલ્હી, તા. 18 : બંગલાદેશની ક્રિકેટ ટીમ વર્તમાન સમયે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. ઝિમ્બાબ્વેમાં
બંગલાદેશની ટીમ એક ટેસ્ટ મેચ અને ત્રણ વનડે તેમજ ત્રણ ટી20 મેચની શ્રેણી માટે ગયેલી
છે. જેમાં ટેસ્ટ અને વન ડે શ્રેણી રમાઈ ચૂકી છે. એકમાત્ર ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વેએ
બંગલાદેશને હરાવ્યું હતું. બાદમાં ત્રણ વનડેની શ્રેણી પણ ઝિમ્બાબ્વેએ 2-1થી પોતાનાં
નામે કરી હતી. હવે ત્રણ મેચની ટી20 શ્રેણી ચાલી રહી છે. જેનો પહેલો મેચ મેજબાન ટીમે
જીત્યો હતો પણ બીજા મુકાબલામાં બંગલાદેશે ઝિમ્બાબ્વેને 34 રને હરાવ્યું હતું.
મેચમાં
પહેલા બેટિંગ કરતા બંગલાદેશની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 186 રન
કર્યા હતા. જીત માટે મળેલા 187 રનના લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વેની ટીમ 19.4 ઓવરમાં
152 રનના સ્કોરે સમેટાઈ હતી. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી બંગલાદેશની ટીમ તરફથી સૈફ
હસને 55 અને તનજીદ હસન તમીમે 58 રન કર્યા હતા. ઝિમ્બાબ્વેના નવારગા, બ્રેડ ઇવાંશને
બે અને સિકંદર રજાને એક વિકેટ મળી હતી. 187ના લક્ષ્યનો પીછો કરી રહેલી ઝિમ્બાબ્વેની
ટીમની શરૂઆત સારી રહી નહોતી અને બાદમાં પણ ટીમ ટ્રેક ઉપર પરત ફરી ન શકતા 152 રનમાં
ઓલઆઉટ થઈ હતી.