• રવિવાર, 19 જુલાઈ, 2026

સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે 100 જેટલા સિંહોનો વસવાટ : જેમનો મુખ્ય શિકાર નિલગાય, ભૂંડ

સિંહો પાલતુ પશુઓનો જ શિકાર કરી નભે છે, તે માન્યતાને નવા અભ્યાસે ખોટી પાડી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 18: સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે 100 જેટલા સિંહોનો વસવાટ છે. દરિયાકાંઠાના સિંહોનો મુખ્ય શિકાર નિલગાય અને  ભૂંડ હોવાનું એક સંશોધનમાં સામે આવ્યું છે. ત્યારે સિંહો પાલતુ પશુઓનો જ શિકાર કરી નભે છે, તે માન્યતાને નવા અભ્યાસે ખોટી પાડી છે.

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સરકારે વિશ્વમાં એશિયાટિક સિંહોના એકમાત્ર આખરી આશ્રયસ્થાન એવા ગિરમાં સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટે ‘પ્રોજેક્ટ લાયન’ શરૂ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ માટે સતત સમર્પિત પ્રયાસો કર્યા છે અને તેના હકારાત્મક પરિણામો મળી રહ્યાં છે.

આંતરરાષ્ટ્રીય પીઅર-રિવ્યુડ જર્નલ કન્ઝર્વેશનમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરિયાકાંઠાના સિંહો દ્વારા કરવામાં આવતા કુલ શિકારમાંથી લગભગ 70 ટકા હિસ્સો વન્યજીવોમાંથી આવે છે, જે ગીર સંરક્ષિત વિસ્તારની બહાર પણ સિંહોના વિસ્તરી રહેલા વસવાટની શ્રેષ્ઠ ઇકોલોજીકલ તંદુરસ્તી દર્શાવે છે.

ત્યારે ‘આ સંશોધન અભ્યાસ દર્શાવે છે કે ગીર જંગલની બહાર રહેતા સિંહો નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરીને અહીંનાં ખેડૂતોને ફાયદો કરાવે છે. નિલગાય અને ભૂંડોની વસ્તી પર કુદરતી રીતે નિયંત્રણ રાખીને સિંહો ખેતીનાં પાકનું નુકસાન ઘટાડે છે અને ખેડૂતોને મદદરૂપ થાય છે, એમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

આ અભ્યાસમાં ખુલાસો થયો છે કે, ગુજરાતનાં દરિયાકાંઠે રહેતા એશિયાટિક સિંહો પાલતુ પશુઓ કરતાં વન્ય જીવોના શિકાર પર વધુ નિર્ભર છે. આ તારણો એ વ્યાપક માન્યતાને ખોટી સાબિત કરે છે કે, ગીર જંગલોની બહાર રહેતા સિંહો તેમના અસ્તિત્વ માટે મુખ્યત્વે પાલતુ પશુઓ પર આધાર રાખે છે.

 જૂનાગઢ વન વર્તુળના વન સંરક્ષક અને આ અભ્યાસના સહ-લેખક મોહન રામે જણાવ્યું કે, ‘અમારા અભ્યાસમાં માર્ચ અને એપ્રિલ 2024 દરમિયાન જૂનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી એકત્રિત કરાયેલા સિંહોના મળનાં 160 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, સિંહોના ખોરાકમાં 64 ટકા હિસ્સો વન્યજીવો જેવા કે નીલગાય, જંગલી ભૂંડોનો હતો, જ્યારે 31 ટકા હિસ્સો પાલતુ  પશુઓનો હતો,’

મોહન રામે વધુમાં ઉમેર્યું કે, ‘તમામ શિકારી પ્રજાતિઓમાં, નીલગાય સિંહોના ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે, જે કુલ વપરાશમાં લેવાયેલા બાયોમાસનાં અડધાથી વધુ હિસ્સો ધરાવે છે. જંગલી ભૂંડ બીજા ક્રમનો સૌથી મહત્ત્વનો વન્ય શિકાર હતો, જ્યારે પાલતુ પશુઓમાં ગાય અને ભેંસ હતા.’

ઇ-પેપરના નવા શુલ્ક