• રવિવાર, 19 જુલાઈ, 2026

આજે લોર્ડ્સનાં મેદાનમાં નિર્ણાયક મુકાબલો

નવી દિલ્હી, તા. 18 : ભારતીય ટીમ રવિવારે હોમ ઓફ ક્રિકેટ કહેવાતા લોર્ડ્સનાં મેદાનમાં થનારા નિર્ણાયક ત્રીજા આંતરરાષ્ટ્રીય વન ડે મેચને જીતીને 22 વર્ષના દુષ્કાળને ખતમ કરવા અને ઇંગ્લેન્ડ સામે શ્રેણીને કબજે કરવાના ઈરાદાથી ઉતરશે.

કાર્ડિફમાં ઇંગ્લેન્ડની જોરદાર વાપસી બાદ ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબરે છે. હવે આ નિર્ણાયક મુકાબલો ઈતિહાસ, વ્યક્તિગત પ્રદ્વંદ્વિતા અને રોમાંચકથી ભરપૂર બનશે. ભારતે 2004 બાદથી લોર્ડસના મેદાન ઉપર કોઈ વનડે મેચ જીત્યો નથી. તેવામાં રવિવારે થનારા મુકાબલાનું મહત્ત્વ વધારે છે. ભારતને આશા રહેશે કે દિગ્ગજ ખેલાડીઓ સમયે સારું પ્રદર્શન કરશે. રોહિત શર્મા માટે વર્તમાન શ્રેણી ખાસ રહી નથી પણ દબાણની સ્થિતિમાં રોહિત સારું રમી શકે છે. વધુમાં વિરાટ કોહલી કાર્ડિફમાં શાનદાર અર્ધસદી બાદ લયમાં પરત ફર્યો છે. જો વધુ એક વખત અર્ધસદી કરશે તો ઇંગ્લેન્ડ સામે વન ડેમાં સૌથી વધારે વખત 50થી વધારે રન કરનારા ભારતીય ખેલાડી તરીકે રોહિત શર્માની બરાબરી કરશે.

ભારતની આશા અનુભવી બેટ્સમેનો ઉપર છે તો ઇંગ્લેન્ડનો આત્મવિશ્વાસ જો રૂટ ઉપર ટકેલો છે. રૂટ સતત પાંચ વન ડેમાં 50થી વધુ રન કરી ચુક્યો છે. કાર્ડિફમાં પણ તેણે 99 રન કર્યા હતા અને ઇંગ્લેન્ડની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કાર્ડિમાં મળેલી જીત બાદ ઇંગ્લેન્ડનો  આત્મવિશ્વાસ વધ્યો છે. તેવામાં ટીમ ઇન્ડિયાએ લોર્ડસમાં પોતાની ક્ષમતાને બતાવવી પડશે અને ઈતિહાસ રચવા માટે પૂરી મહેનત કરવી પડશે. આ સાથે ખિતાબ પણ દાવ ઉપર હોવાથી રવિવારે લોર્ડ્સનાં મેદાનમાં શાનદાર મુકાબલો જોવા મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક