મિયામી, તા.19 ઃ ફીફા વર્લ્ડ કપનાં ત્રીજાં સ્થાન માટેના મેચમાં ઇંગ્લેન્ડ ટીમે શાનદાર દેખાવ કરીને ફ્રાંસ વિરુદ્ધ 6-4 ગોલથી વિજય હાંસલ કર્યો હતો. આ મેચમાં ફ્રાંસના કપ્તાન કિલિયન એમ્બાપેએ બે ગોલ કરીને ફીફા વર્લ્ડ કપમાં મેસ્સીનો સર્વાધિક ગોલનો રેકોર્ડ ધ્વંશ કરી દીધો અને વર્તમાન ટૂર્નામેન્ટમાં 10 ગોલ સાથે ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સીથી આગળ થયો હતો. એમ્બાપેના રેકોર્ડ છતાં તેની ટીમ ફ્રાંસ વિજયથી વંચિત રહી હતી. બુકાયો સાકાની હેટ્રિકથી ઇંગ્લેન્ડનો જોરદાર વિજય થયો હતો અને કાંસ્ય ચંદ્રકની હકદાર બની હતી. સાકાએ 37મી મિનિટે, પહેલા હાફની ઇન્જરી ટાઇમમાં અને 87મી મિનિટે પેનલ્ટીથી ગોલ કરીને હેટ્રિક પૂરી કરી હતી. એમ્બાપેએ બે ગોલ 48 અને 66મી મિનિટે કર્યા હતા.
મેચના પહેલા હાફમાં ઇંગ્લેન્ડનો દબદબો રહ્યો હતો અને 4-0 ગોલની સરસાઈ મેળવી લીધી હતી. બીજા હાફમાં ફ્રાંસ ટીમે કાઉન્ટર એટેક કરીને ઉપરાઉપરી ત્રણ ગોલ ઝીંકી દીધા હતા. આથી ઇંગ્લેન્ડની સરસાઇ 4-3 થઈ ગઈ હતી. આ પછી પણ બન્ને ટીમ તરફથી ગોલ થયા હતા અને અંતમાં ઇંગ્લેન્ડનો 6-4થી જોરદાર વિજય થયો હતો.
આ મેચ ફીફા વિશ્વ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ સંખ્યામાં સામેલ થયો છે. 1982માં હંગેરીને અલ સલ્વાડોર વિરુદ્ધ 10-1ની જીત બાદ આ મેચમાં સૌથી વધુ કુલ 10 ગોલ નોંધાયા હતા.