• મંગળવાર, 21 જુલાઈ, 2026

જમતી વખતે ગાળો બોલવા બાબતે મિત્રએ મિત્રને લાકડીના ઘા ઝીંકી પતાવી દીધો

ગોંડલના ભંડારિયાની સીમમાં ઘટના, માથા અને મોઢાના ભાગે લાકડીના ઘા મારતા ઘટનાસ્થળે જ મૃત્યુ

 

ગોંડલ, તા.19:  ગોંડલ તાલુકાના ભંડારિયા ગામની સીમમાં એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. જમતી વખતે મૃતક લાલજી ઉર્ફે લાલાભાઈ ડાબસરા દ્વારા કરવામાં આવતી ગાળાગાળી બાબતે આરોપી મિત્ર નિતિન મકવાણા સાથે માથાકૂટ થઈ હતી. આ બાબતે ઉશ્કેરાયેલા નિતિને લાકડીના ઘા મારી મિત્રના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. સુલ્તાનપુર પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 જગદિશભાઈ ડાબસરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો ભાઈ લાલજી ઉર્ફે લાલાભાઈ ડાબસરા (રહે. વેકરી) ગત 17 જુલાઈની રાત્રે ભંડારિયા ગામની સીમમાં આવેલા આરોપી નિતિન રમણીકભાઈ મકવાણાની વાડીએ જમવા ગયો હતો. અહીં બંને મિત્રો સાથે બેસીને જમી રહ્યા હતા. આ દરમિયાન લાલજી ગાળો બોલતો હતો. નિતિનની માતા પણ ત્યાં જ હાજર હોવાથી, નિતિને તેને ગાળો ન બોલવા સમજાવ્યો હતો. જોકે, લાલજીએ નિતિનને પણ ગાળો આપવાનું ચાલુ રાખતા મામલો બિચક્યો હતો.

ગાળો આપવાની બાબતે ઉશ્કેરાઈ ગયેલા નિતિન મકવાણાએ તુરંત જ લાકડી ઉઠાવી લાલજી પર તૂટી પડ્યો હતો. તેણે લાલજીના માથા અને મોઢાના ભાગે લાકડીના આડેધડ ઘા ઝીંકી ઝીંકતા ગંભીર ઈજાઓને કારણે લાલજીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

 રાત્રે 12:30 વાગ્યાના અરસામાં મૃતકના સંબંધી પ્રફુલ ચાવડાએ ફરિયાદી જગદિશભાઈને ફોન કરીને જાણ કરી હતી કે, લાલજીને નિતિનની વાડીએ કંઈક માથાકૂટ થઈ છે અને તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારજનો જ્યારે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે લાલજી લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આસપાસના લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે ગાળો બોલવા જેવી નજીવી બાબતે મિત્રએ જ લાકડીના ઘા મારી હત્યા કરી છે.

અંગે મૃતકના ભાઈ જગદિશભાઈ ડાબસરાએ સુલ્તાનપુર પોલીસ મથકમાં આરોપી નિતિન મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક