અમરેલી, તા.18: સાવરકુંડલામાં રહેતા માલધારી પરિવારના લોકો મહુવા તાલુકાના ગોરસ ખુંટવડા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતા આજે વહેલી સવારે મહુવા રોડ પર મામલતદાર કચેરી નજીક તેમના વાહન આડે શ્વાન ઉતરતા વાહન ઝાડ સાથે અથડાયું હતું. અકસ્માતમાં આશરે 14 જેટલા મુસાફરને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક યુવકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પોતાના વાહનો મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ઇજાગ્રસ્તોમાંથી 5 જેટલા મુસાફરની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.