• મંગળવાર, 21 જુલાઈ, 2026

ઉપલેટામાં રોટાવેટરમાં આવી જતા 10 વર્ષના બાળકનું મૃત્યુ

ખેતરમાં રમતા-રમતા મશીન નજીક જઈ ચડતા બની ઘટના : પરિવારમાં શોક

ઉપલેટા,તા.19: ઉપલેટા પંથકમાં નાના બાળકો ધરાવતા વાલીઓ માટે લાલ બત્તી સમાન હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. ઉપલેટા નજીક ભાદર નદીના કાંઠે આવેલી વાડીમાં રમતો 10 વર્ષીય બાળક રોટાવેટરમાં આવી જતા કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ જીત જમનભાઈ સોલંકી (ઉ.વ.10)નામનો બાળક વાડીમાં રમતો હતો અને ખેતીકામ માટે ટ્રેક્ટર પાછળ રોટાવેટર મશીન ચાલુ રાખવામાં આવ્યું હતું. તે સમયે બાળક રમતા રમતા અચાનક ચાલુ મશીનની નજીક પહોંચી ગયો હતો અને જોતજોતામાં તેની અડફેટે આવી ગયો હતો. રોટાવેટર મશીનમાં ફસાઈ જતા શરીરના ભાગે અત્યંત ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી.

દુર્ઘટના સર્જાતા જ વાડીમાં હાજર પરિવારજનો અને આસપાસના ખેતમજૂરોમાં ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા બાળકને મશીનમાંથી બહાર કાઢીને સારવાર અર્થે ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ રસ્તામાં બાળકે દમ તોડી દીધો હતો. સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો.

ઘટના અંગેની જાણ થતાં જ ઉપલેટા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક બાળકના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટેની જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક