• રવિવાર, 19 જુલાઈ, 2026

લોન બાકી હોવા છતાં મકાન વેચી ગોંડલ માર્કાટિંગ યાર્ડના ચોકીદાર સાથે છેતરાપિંડી

ગોંડલ, તા.18 : ગોંડલ નવા માર્કાટિંગ યાર્ડમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા એક પ્રૌઢ સાથે મકાન વેચાણનાં નામે રૂ. 1 લાખની છેતરાપિંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. મકાન ખરીદવા માટે કરાર કરીને બાના પેટે રૂ. 1 લાખ ચૂકવવામાં આવ્યા હતા. લોન ચાલુ હોવા છતાં મકાનનો કબજો સોંપી દીધા બાદ બેન્ક દ્વારા મકાન સીલ કરી દેવામાં આવતા છેતરાપિંડીનો ભાંડો ફૂટયો હતો. બાનાની રકમ પરત ન આપી ખોટા વાયદા કરવામાં આવતા આખરે ગોંડલ સિટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઘટના અંગે નાની બજારમાં ભાડાના મકાનમાં રહેતા નીતિનભાઈ ભિખાભાઈ વાજાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કપુરીયાપરા વિસ્તારમાં રહેતા આનંદભાઈ વીરેન્દ્રભાઈ ગોહેલનું નામ આપ્યું છે. આરોપી આનંદભાઈએ પોતાની પત્ની નયનાબેન ગોહેલનાં નામે રહેલું મકાન રૂ. 6.55 લાખમાં વેચવાનું નક્કી કરી બાનાના પૈસા મેળવ્યા હતા. જોકે, આ મકાન પર લીધેલી લોનની ભરપાઈ ન કરાતા રાજકોટની આધાર બેન્કે મકાન સીલ કરી દીધું હતું. પોલીસે છેતરાપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક