ઉમેદવારો 15 એપ્રિલથી ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ ભરી શકશે
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 1: લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહેલા ટેટ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5 માટે કુલ 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ મોટી ભરતી માટે પાત્ર ઉમેદવારો 15 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
આ ભરતી પ્રક્રિયાને લઈને શિક્ષણ વિભાગે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ઉમેદવારો આગામી 15 એપ્રિલથી ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાનું ફોર્મ ભરી શકશે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે અને મેરિટના આધારે હાથ ધરવામાં આવશે. જે ઉમેદવારોએ પ્રાથમિક શિક્ષણ માટેની જરૂરી લાયકાત અને પરીક્ષાઓ પાસ કરી છે, તેઓ આ તકનો લાભ લઈ શકશે.
ગાંધીનગર ખાતેથી મળેલી માહિતી મુજબ, રાજ્યની સરકારી શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકાર કટિબદ્ધ છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષકોની ઘટ હોવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ 11,000 જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભરતીથી રાજ્યના હજારો શિક્ષિત બેરોજગારોને રોજગારી મળશે અને શાળાઓમાં શૈક્ષણિક કાર્યમાં ગતિ આવશે. આ જાહેરાતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ઉમેદવારો હાલ ઉ.ઊહ.ઊમ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે પરંતુ અગાઉ ટેટ-1 પરીક્ષા પાસ કરી ચૂક્યા છે, તેઓ પણ આ ભરતીમાં ભાગ લઈ શકશે. આવા ઉમેદવારોએ અરજી કર્યા બાદ જ્યારે પરિણામ જાહેર થાય, ત્યારે પોતાના ગુણ અને માર્કશીટ ઓનલાઇન પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું માળખું મજબૂત કરવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયને પગલે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોને સમયમર્યાદામાં સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી દેવા સૂચના આપવામાં આવી છે.