નાટોમાંથી
અમેરિકા અલગ થવાની ચર્ચા : બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયન વડા પ્રધાને દેશને સંબોધનમાં આગામી
મહિના પડકારજનક રહેવાની સંભાવના વ્યક્ત કરી, ઈરાન યુદ્ધમાં સામેલ થવાથી દૂરી બનાવી
નવી
દિલ્હી, તા. 1 : એક મહિનાથી ચાલી રહેલું ઈરાન યુદ્ધ થંભવાને બદલે વધારે ઘેરૂ બની રહ્યું
છે. અમેરિકા પોતાની શરતે સમજૂતી કરવા કહી રહ્યું છે પણ ઈરાન દ્વારા સ્પષ્ટ ઈનકાર કરવામાં
આવ્યો છે. બીજી તરફ ઈરાન યુદ્ધના કારણે ઊર્જા સંકટ ગંભીર બની રહ્યું છે. જેની અસર દરેક
દેશોમાં જોવા મળી રહી છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દેશનાં નામે સંબોધન કરવાના છે.
જેના ઉપર પૂરી દુનિયાની નજર હશે અને અટકળો પણ શરૂ થઈ ચૂકી છે. કહેવાય છે કે સંબોધન
દરમિયાન ટ્રમ્પ નાટોમાંથી અલગ થવાનો મોટો નિર્ણય પણ લઈ શકે છે. ટ્રમ્પનાં સંબોધન પહેલા
ઓસ્ટ્રેલિયાના પીએમ અને બ્રિટિશ પીએમએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. બ્રિટિશ પીએમએ
તો અમેરિકાને રોકડું પરખાવતા કહી દીધું હતું કે બ્રિટન ઈરાન યુદ્ધમાં સામેલ થશે નહીં
અને હોર્મુઝ ખોલાવવા માટે કૂટનીતિક રસ્તાઓ ઉપર વિચાર કરશે. ઓસ્ટ્રેલિયન પીએમએ પણ સંબોધનમાં
કહ્યું હતું કે, પશ્ચિમ એશિયાના યુદ્ધથી ઓસ્ટ્રેલિયાને કોઈ લેવાદેવા નથી, તેમ છતાં
લોકો તેનો ભોગ બની રહ્યા છે. બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે સાફ કહી દીધું હતું
કે, બ્રિટન, ઈરાન યુદ્ધમાં સામેલ થશે નહીં. તેના બદલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલાવવા માટે
ગ્લોબલ હોર્મુઝ સમિટની મેજબાની કરશે. સ્ટાર્મરે કહ્યું હતું કે, ચાલુ અઠવાડિયે બ્રિટનની
મેજબાનીમાં 35 દેશ સાથે બેઠક થવાની છે. જેમાં હોર્મુઝ અંગે ચર્ચા કરવામાં આવશે. સ્ટાર્મરે
ચેતવણી આપી હતી કે ઈરાન યુદ્ધની બ્રિટનનું ભવિષ્ય મોટાપાયે પ્રભાવિત થશે, સાથે આશ્વાસન
પણ આપ્યું હતું કે ભવિષ્યના પડકારો માટે દેશ પૂરી રીતે તૈયાર છે અને પોતાના તમામ નિર્ણયો
નાગરીકોનાં હિતમાં છે. આ કારણે જ તેઓ સ્પષ્ટ કરવા માગે છે કે આ બ્રિટનનું યુદ્ધ નથી
અને તેમાં પીસાવું નથી. આ પહેલાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અંથની અલ્બનીઝે પણ રાષ્ટ્રજોગ
સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે આગામી મહિનાઓ પડકારભર્યા બની શકે છે. તેમણે
કહ્યું હતું કે નેશનલ કેબિનેટે નેશનલ ફ્યૂલ સિક્યોરિટી પ્લાનને મંજૂરી આપી છે. જો ઇંધણ
સપ્લાયમાં ગંભીર પરેશાની આવશે તો આ પ્લાન ઓસ્ટ્રેલિયાના લોકોને મદદ કરી શકશે. આ દમિયાન
અલ્બનીઝે એક્સાઇઝ ડયૂટીમાં કાપનું એલાન કર્યું હતું. સંબોધનમાં કહેવામાં આવ્યું હતું
કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધ સાથે ઓસ્ટ્રેલિયાને કોઈ લેવાદેવા નથી.