28મીએ થશે મતગણતરી : આચારસંહિતા લાગુ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.1 : ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરી છે. લાંબા સમયથી જેની પ્રતીક્ષા હતી તેનો અંત આવ્યો છે. આ જાહેરાત મુજબ, 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 9992 બેઠકો માટે આગામી 26 એપ્રિલના રોજ ઊટખ થી મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી થશે. આ જાહેરાતની સાથે જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.
નવી ઘઇઈ અનામત લાગુ થયા બાદ આ પહેલી મોટી ચૂંટણી છે, જેમાં અંદાજિત 4 કરોડ 18 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સમગ્ર પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. 6 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. જ્યારે 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે. 13 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે જ્યારે 15 એપ્રિલ સુધીમાં ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકશે.
સમગ્ર ચૂંટણી એક સાથે 26 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જો કોઈ કારણસર જરૂર પડે તો 27 એપ્રિલના રોજ પુન: મતદાન (રી-પાલિંગ) થશે અને 28 એપ્રિલના રોજ તમામ બેઠકો માટે મતગણતરી થશે અને પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે.
આ વખતે સમગ્ર રાજ્યમાં કુલ 9992 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતરશે. જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની 15 (મનપા)ની કુલ 1044 બેઠકો પર ચૂંટણી યોજાશે. 7 નવી નગરપાલિકાઓના ઉમેરા સાથે કુલ 84 નગરપાલિકાની 2624 બેઠકો માટે મતદાન થશે. જ્યારે 34 જિલ્લા પંચાયતની 1090 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં 33 જૂની અને 1 વાવ-થરાદ નવી જિલ્લા પંચાયત ચૂંટણી છે.
24 જિલ્લા પંચાયતોની હદમાં (સીમાંકનમાં) ફેરફાર કરાયો છે, જ્યારે 9 માં કોઈ ફેરફાર થયો નથી. આ ઉપરાંત 260 તાલુકા પંચાયતની 5234 બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમાં 109 તાલુકા પંચાયતમાં માત્ર રોટેશન સિવાય કોઈ ફેરફાર નથી કરાયો, પણ 53 તાલુકા પંચાયતોના સીમાંકન બદલવામાં આવ્યા છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે 27 ટકા ઓબીસી અનામતની સાથે ચૂંટણી યોજાશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 2027ની વિધાનસભાની ચૂંટણીની સેમી ફાઇનલ માનવામાં આવે છે. તેમા પણ મતદારયાદી સુધારણા પછીની આ પ્રથમ ચૂંટણી છે. તેના કારણે આ વખતની ચૂંટણીનો સીનારિયો બદલાય તેવી પૂરેપૂરી સંભાવના છે. આ ચૂંટણી 17 ફેબ્રુઆરીની ડ્રાફ્ટ યાદી અને જઈંછ ની નવી ડ્રાફ્ટ યાદી મુજબ યોજાવા જઈ રહી છે.
ચૂંટણી પંચના ડેટા પ્રમાણે રાજ્યમાં નોંધાયેલા કુલ 4 કરોડ 40 લાખ મતદારોમાંથી 4 કરોડ 18 લાખ 87 હજાર મતદારો મતદાન કરવા માટે સત્તાવાર રીતે લાયક છે. કુલ મતદારોમાં 2 કરોડ 16 લાખ પુરુષો અને 2 કરોડ 2 લાખ મહિલા મતદારો છે. જો વિસ્તાર પ્રમાણે જોઈએ તો, મનપા વિસ્તારોમાં 1.10 કરોડ, નગરપાલિકા વિસ્તારોમાં 33.66 લાખ અને તાલુકા-જિલ્લા પંચાયતના વિસ્તારોમાં 2.75 કરોડ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે.
અગાઉ 2021માં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો 23 જાન્યુઆરી, 2021 ના રોજ જાહેર કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓનું સમયપત્રક 26 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થયું હતું. જ્યારે જિલ્લા, તાલુકા પંચાયત અને મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓનું સમયપત્રક પાંચ માર્ચે પૂર્ણ થયું હતું. આ વખતે, જઈંછ પૂર્ણ થઈ ગયું હોવા છતાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત પૂરી થવા છતાં ચૂંટણીઓ સમયસર થઈ શકી ન હોવાથી વહીવટદારની નિમણૂક કરવી પડી છે.
દરમિયાન, રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત બન્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં નિરીક્ષકો મોકલીને ‘સેન્સિંગ’ (મંતવ્યો એકત્રિત કરવા) ની પ્રક્રિયા પૂર્ણ કરી છે. શાસક પક્ષને સારા દેખાવનું પુનરાવર્તન કરવાની આશા છે તો વિપક્ષની એન્ટી ઇન્કમબન્સી એટલે કે શાસનવિરોધી લહેરનો ફાયદો મળશે તેવી આશા છે.