• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

ચરાડવા પાસે કેનાલમાં-ઘૂંટું નજીક કૂવામાં ડૂબી જતા બેનાં મૃત્યુ

મોરબી, તા.1: મોરબી ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં આજે સવારના સુમારે બે અલગ- અલગ રેસ્ક્યૂ કોલ મળ્યા હતા. જેમાં એક બનાવમાં ચરાડવા પાસે કેનાલમાં ડૂબી જવાથી એક પરપ્રાંતીય યુવકનું અને બીજા બનાવમાં ઘૂંટું પાસે કૂવામાં ખાબકવાથી એક વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું ંહતું. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢયા હતા.

મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં સવારે 9-30 વાગ્યે પહેલો કોલ મળ્યો હતો. જેમાં મૂળ બિહારના  વૈશાલી જિલ્લાનો વતની 25 વર્ષીય સેરાજ મહમદ ચરાડવા પાસે આવેલી કેનાલમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં મોરબી અને હળવદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બંને ટીમોએ સાથે મળીને સતત 2 કલાકની ભારે જહેમત બાદ  યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢયો હતો ત્યાર બાદ સવારે 10-30 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમમાં બીજો કોલ મળ્યો હતો. જેમાં ઘૂંટું તળાવ પાસે આવેલા એક કૂવામાં 65 વર્ષીય ભોવનભાઇ માલાભાઇ રાઠોડ અકસ્માતે પડી ગયા હતા. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને વૃદ્ધનો મૃતદેહ કૂવામાં બહાર કાઢયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક