• બુધવાર, 01 એપ્રિલ, 2026

અનેક જવાનોને પગાર-ભથ્થાં સમયસર નહીં

કેગના અહેવાલમાં અનેક ખામીઓ આવી સામે: સૈન્ય હોસ્પિટલોમાં  પણ અનેક અધૂરપ

નવી દિલ્હી, તા.31 : કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)નો સંરક્ષણ પરનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં અનેક સૈન્ય હોસ્પિટલોની દેખરેખમાં તંગી સહિતની ખામીઓ દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત સેનાના અનેક જવાનને તેમના પગાર-ભથ્થાં સમયસર અને યોગ્ય રીતે મળ્યા ન હોવાની વાત પણ કરવામાં આવી છે.

અહેવાલ અનુસાર સેનાના નિર્માણકાર્યોથી જોડાયેલા સાઈટ રેકોર્ડસ પણ યોગ્ય રીતે રાખવામાં આવ્યા નથી. તેને કારણે કામની ગુણવત્તા અને જવાબદારી નિયત કરવામાં મુશ્કેલી પડી હતી. સંરક્ષણ મંત્રાલય સાઈટ રેકોર્ડઝને ડિજિટાઈઝ કરે તેવી ભલામણ પણ કરવામાં આવી હતી.

કેગના ઓડિટમાં સેનાના પગાર-ભથ્થાંથી જોડાયેલી પ્રક્રિયા, નિર્માણકાર્યે (એમઈએસ)માં કામનું નિરીક્ષણ અને ગુણવત્તા તેમજ સંરક્ષણ મંત્રાલય તળે ચાલતી સૈન્ય હોસ્પિટલોના કામકાજનો મુખ્ય સમાવેશ થાય છે.

અહેવાલ મુજબ પ્રોવિઝનલ ફાઈનલ સેટલમેન્ટ ઓફ એકાઉન્ટસ (પીએફએસએ)ની સમીક્ષા નિયત સમયે કરવામાં આવી ન હતી. તેને કારણે નિવૃત્તિના સમયે અધિકારીઓ, જૂનિયર કમિશન્ડ ઓફિસર્સ (જેસીઓઝ) અને બીજા રેન્ક (ઓઆર)ના કર્મચારીઓને એક સાથે મોટી રકમની વસૂલાત કરવામાં આવી હતી. આઈટી સિસ્ટમમાં જરૂરી નિયમ સામેલ ન હોવાને કારણે અનેક જવાનોને વેતન અને ભથ્થાં સમયસર અને યોગ્ય રીતે મળ્યા ન હતાં.

આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સ્ટોર્સ ડેપો (એએફએમએસડી) સૈન્ય હોસ્પિટલોને જરૂરત મુજબની દવાઓ પૂરી પાડી શક્યા નથી. સામાન્ય વર્ગની દવાઓ પણ ઉપલબ્ધ ન હતી. બે ડેપોમાં દવાઓને સમય પર બદલવામાં ન આવતાં 13.52 કરોડની દવા ફસાયેલી પડી હતી એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક