• મંગળવાર, 01 જુલાઈ, 2025

જામકંડોરણાના જામદાદર ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતની આત્મહત્યા

મગફળીનું વાવેતર નિષ્ફળ જતા ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ધોરાજી, તા.29: જગતનો તાત આખી સીઝન મહેનત કરીને પાક ઉગાડે છે પરતું જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે મહેનતની સાથે સાથે નાણા પણ ધોવાઈ જતા આર્થિક હાલત કફોડી બનતા ચિંતામાં આવી જાય છે. આવી સ્થિતિમાં ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બને છે ત્યારે રાજકોટ જિલ્લામાં ખેડૂતે પાક નિષ્ફળ જતા આત્મ હત્યા કરી લીધાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જામકંડોરણા પંથકના જામદાદર ગામે રહેતા ખેડૂત આધેડે મગફળીનો પાક નિષ્ફળ જતા ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવથી પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.

જાણવા મળતી વિગત મુજબ જામકંડોરણા તાલુકાના જામદાદર ગામે રહેતા માધાભાઈ સામતભાઈ રાઠોડ (ઉંમર 50) નામના ખેડૂત ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે ધીરાણ લઈ સાત વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યુ હતું. જોકે આખું વર્ષ કુદરતી આફતોનો કાળ બનીને આવ્યું હતું. કમોસમી વરસાદ - વાવાઝોડા જેવી ઘટનાઓએ મગફળીના પાકને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધો હતો. પાક નિષ્ફળ જવાથી અને કોઈપણ પ્રકારની ઉપજ ન થવાથી તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે ચિંતામાં રહેતા હતા. આર્થિક સંકડામણ અને દેવાના બોજ તળે દબાયેલા માધાભાઈએ ઘરેથી નીકળી પોતાના ખેતરે ઓરડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ પરિવારજનો અને ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે જામકંડોરણા પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામકંડોરણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો અને ગામના સરપંચ દ્વારા પાક નિષ્ફળ જવાના કારણે ઉદ્ભવેલી આર્થિક સંકડામણ અને દેવાના બોજથી કંટાળી માધાભાઈએ આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. પરિવારજનો અને ગામના આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની માગ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક