લાપરવાહ
અને નિંભર નેશનલ હાઈવે તંત્ર ન સુધરતા વાહનચાલકોએ વૈકલ્પિક રસ્તા શોધી લીધા
ઉડતી
ધૂળના લીધે વિઝિબિલીટી ઘટી જવાના કારણે નેશનલ હાઇવે અત્યારે અકસ્માત સંભવિત વિસ્તાર
બની ગયો
રાજકોટ,
તા.29 : રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઈવેની ધીમી કામગીરીને લઈને તંત્રની ટીકા તો થઈ રહી
છે, સામે જનપ્રતિનિધિઓની નિતિ સામે પણ સવાલ ઉઠી રહ્યાં છે. માર્ગ અને મકાન વિભાગ નિંભર
જ હોવાનું માનીને હવે તો પાંચ-દસ કિલોમીટર ફરીને ભલે જવું પડે પણ રાજકોટ-જેતપુર હાઈવે
ઉપર તો ચડવું જ નથી તેમ કહીને વાહનચાલકોએ વૈકલ્પિક રસ્તાઓ પણ શોધી લીધા છે.
રાજકોટ-જેતપુર
નેશનલ હાઇવે પર 70 કિલોમીટરનું અંતર કાપવામાં અવારનવાર ભારે ટ્રાફિકજામને કારણે વાહનચાલકો
તોબા પોકારી જાય છે. એક તરફ સિક્સ લેનની કામગીરીના કારણે કોન્ટ્રાક્ટરે એક વાહન ચાલી
શકે તેવી ડાયવર્ઝનની વ્યવસ્થા કરી છે. રાજકોટ જિલ્લા અને તાલુકા પોલીસ અને જિલ્લાની
પોલીસે પણ ઘણી વખત ટ્રાફિક નિયમન માટે હાઇવે પર આવવું પડે છે. રાજકોટથી જેતપુર નેશનલ
હાઇવે પર ભુણાવા, બિલિયાળા, ભોજપરા, ચોરડી, ગોમટા, ચરખડી, વીરપુર અને કાગવડ નજીક હાઇવે
પર સિંગલ લાઈનમાં જ વાહન પસાર થઈ શકે તેમ હોવાથી દિવસ દરમિયાન ટ્રાફિકજામના દૃશ્યો
સર્જાય છે.
અત્યારના
સમયે જો રાજકોટથી જેતપુર નેશનલ હાઇવેની મુસાફરી કરવાનું થાય તો જાણે કોઇ પૂર્વ જન્મના
પાપનું ફળ ભોગવી રહ્યા હોય તેવું લોકો માની રહ્યા છે. એક તરફ સિક્સ લેનની ચાલી રહેલી
કામગીરી અને બીજી બાજુ વરસાદથી બદતર થઈ ગયેલા હાઇવેની હાલત. આ બંને બાબતોના મિશ્રણથી
રાજકોટથી જેતપુર સુધીનો નેશનલ હાઇવે 27 ખાડે ગયો છે. દિલ્હી કે અમદાવાદમાં સામાન્ય
રીતે પ્રદૂષણના હિસાબે વિઝિબિલીટી ઘટી જતી હોય છે જ્યારે નેશનલ હાઇવે 27 પર ધૂળની ડમરીઓથી
વિઝિબિલીટીમાં ઘટાડો થઈ જાય છે. ઉડતી ધૂળના લીધે હાઇવે પર નાના-મોટા વાહનોની આગળ પાછળ
કંઈ દેખાતું નથી. જેના કારણે આખો નેશનલ હાઇવે એક અકસ્માત સંભવિત વિસ્તાર બની ગયો છે.
તેમાંય બે-બે ટોલનાકા પર ચાંદલો કરાવવા છતાં નેશનલ હાઈવે ઓથોરીટી તરફથી મળે છે તો બસ
નર્યા ખાડા, ધૂળની ડમરીઓ અને અકસ્માતનું જોખમ. આ બધી સમસ્યાથી ત્રાસી ગયેલા વહનચાલકોએ
હવે વૈકલ્પિક રસ્તાઓ શોધી લીધા છે. કોઠારિયાથી અને મવડીથી ગામડાઓના રસ્તે જવાનું વધુ
પસંદ કરી રહ્યાં છે. કારણ કે, નેશનલ હાઈવે કરતા તો ગામડાના રસ્તા વધુ સારા હોવાનું
વાહનચાલકોનું કહેવું છે.