તમામ
પરિમાણોથી તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવતાં નાગરિક ઉડ્ડયન મંત્રી
નવી
દિલ્હી/અમદાવાદ, તા.29: અમદાવાદમાં એર ઈન્ડિયાનાં વિમાનની ભયાનક દુર્ઘટનાની તપાસ વિશે
નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલેએ એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, વિમાન
દુર્ઘટના તપાસ બ્યૂરો(એએઆઈબી) આ દુર્ઘટનાની તમામ પરિમાણોથી તપાસ કરે છે અને તેમાં ભાંગફોડ-છેડછાડનાં
દૃષ્ટિકોણનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય
મંત્રી મોહોલે કહ્યું હતું કે, દુર્ઘટનાગ્રસ્ત એઆઈ-171નું બ્લેક બોક્સ એએઆઈબી પાસે
છે અને તપાસ માટે તેને દેશની બહાર લઈ જવામાં નહીં આવે. તેમણે આગળ ઉમેર્યુ હતું કે,
આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. એએઆઈબીએ તેની પૂરી તપાસ શરૂ કરી દીધી છે. તેની તમામ
પાસાથી તપાસ થઈ રહી છે. જેમાં કોઈ સંભવિત તોડફોડની સંભાવના પણ સામેલ છે. આ સીવાય સીસીટીવી
ફૂટેજની સમીક્ષા પણ થઈ રહી છે અને તમામ કોણથી આ ઘટનાનું આકલન કરવામાં આવી રહ્યું છે.
મુરલીધર
મોહોલે આ અકસ્માતને એક અસાધારણ ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, વિમાનનાં બન્ને
એન્જિન એકસાથે બંધ થઈ જાય તેવું ક્યારેય બન્યું નથી. એકવાર તપાસનો અહેવાલ મળી જાય પછી
જ આપણને ખ્યાલ આવશે કે એન્જિનમાં કોઈ તકલીફ હતી કે પછી ઈંધણ ભરવામાં કોઈ સમસ્યા થઈ?
બન્ને એન્જીન શા માટે કામ કરતા બંધ થઈ ગયા એ પછી જ સ્પષ્ટ થઈ શકશે. તેમણે આગળ કહ્યું
હતું કે, હાલનાં તબક્કે કંઈપણ કહેવું ઉતાવળીયું ગણાશે પરંતુ જે કંઈ હશે તે સામે આવશે
જ. રીપોર્ટ આવતા ત્રણ માસ જેટલો સમય લાગશે.