એક રાતમાં
દાગી દીધા 477 ડ્રોન અને 60 મિસાઈલ : યુક્રેનનું એક એફ-16 વિમાન તોડી પડાયું
નવીદિલ્હી,
તા.29: રશિયાએ યુક્રેન ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો બોલાવી દીધો છે. ત્રણ
વર્ષ પહેલા શરૂ થયેલા આ યુદ્ધમાં રશિયા તરફથી આ સૌથી મોટી એર સ્ટ્રાઈક હતી. આ હુમલામાં
યુક્રેનનાં એફ-16 યુદ્ધ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું અને તેમાં પાયલટનું પણ મોત
થયું છે.
યુક્રેનનાં
રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કીએ કહ્યું હતું કે, રશિયાએ શનિવારની આખી રાત યુક્રેન
ઉપર 537 હથિયારો સાથે હવાઈ હુમલા કર્યા હતાં. આમાં 477 ડ્રોન અને 60 મિસાઈલ હતી. ઝેલેંસ્કીએ
આગળ કહ્યું હતું કે, રશિયાનાં આ હુમલાને વિફળ બનાવવામાં લાગેલા એફ-16 વિમાનનો પાયલટ
મૃત્યુ પામ્યો હતો. જો કે તે પાયલટે 7 હવાઈ લક્ષ્યોને નષ્ટ કર્યા હોવાનું પણ તેમણે
જણાવ્યું હતું. ઝેલેંસ્કીએ દાવો કર્યો હતો કે, રશિયાએ જે ડ્રોનથી હુમલો કર્યો તેમાં
મોટાભાગનાં ઈરાનમાં બનેલા શાહેદ ડ્રોન હતાં. રશિયાની સેના માનવ જીવનનાં સંકેતો મળતા
હોવા છતા પ્રત્યેક ચીજને નિશાન બનાવી રહી છે. જેમાં રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં
આવ્યા છે અને આમાં એક બાળક પણ ઘવાયું છે. ફક્ત આ અઠવાડિયામાં જ રશિયાએ 114થી વધુ મિસાઈલ,
1270થી વધુ ડ્રોન અને લગભગ 1100 જેટલા ગ્લાઈડ બોમ્બ દાગ્યા હતાં. પુતિને બહુ પહેલાથી
જ નક્કી કરી લીધેલું કે દુનિયાની શાંતિની અપીલો છતાં તે યુદ્ધ ચાલુ રાખશે અને તેની
પાસે મોટા હુમલા કરવાની ક્ષમતા ખતમ ન થાય ત્યાં સુધી આ હુમલા ચાલુ રાખશે.