• મંગળવાર, 01 જુલાઈ, 2025

ઈરાનને અણુબોમ્બ બનાવતા વધુ વાર નહીં લાગે ?

આઈએઈએનાં વડાનો અમેરિકાથી વિપરિત દાવો: ઈરાન થોડા માસમાં જ ફરીથી યુરેનિયમ સંવર્ધન શરૂ કરવા સક્ષમ

નવીદિલ્હી,તા.29: ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ ભલે થઈ ગયું પણ દુશ્મનાવટ યથાવત છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી(આઈએઈએ)નાં વડા રાફેલ ગ્રોસીએ દાવો કર્યો છે કે, આગામી થોડા માસમાં જ ઈરાન ફરીથી યુરેનિયમ સંવર્ધન(એનરીચમેન્ટ) શરૂ કરી શકે છે. એટલે કે ઈરાન હજી પણ બહુ જલ્દી અણુબોમ્બ બનાવી શકે તેમ છે. તેણે આઈએઈએ સાથે સંબંધ તોડીને અણુબોમ્બ બનાવવાનો પરોક્ષ સંકેત પણ આપી દીધો હતો. અમેરિકા ઈરાનની પરમાણુ ક્ષમતાઓ નષ્ટ થઈ ગયાનો દાવો કરી રહ્યું છે ત્યારે તેનો છેદ ઉડાડતો દાવો આઈએઈએ કરી રહ્યું છે. જે ઈઝરાયલ માટે વધુ મોટી ચિંતા બની શકે તેમ છે.

ગ્રોસીનો દાવો છે કે, ઈરાનની પરમાણુ ટેકનિકલ અને ઔદ્યોગિક ક્ષમતાઓ હજી પણ સલામત જ છે. તેના થોડા ઠેકાણાને નુકસાન થયું છે પણ આખો ઢાંચો હજી પણ ઉભો છે. જો ઈરાન ઈચ્છે તો થોડા માસમાં જ ફરીથી સેન્ટ્રીફ્યૂઝ શકરીને સંવર્ધિત યુરેનિયમનું ઉત્પાદન શરૂ કરી શકે છે.

આ પહેલા આઈએઈએ દ્વારા એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, અમેરિકાનાં હુમલા પહેલા જ ઈરાને પોતાનું 408.6 કિલો સંવર્ધિત યુરેનિયમ કોઈ ગુપ્ત સ્થળે સ્થાનાંતરિત કરી દીધું હતું. આ યુરેનિયમ 60 ટકા સંવર્ધિત છે. જે અણુશત્ર બનાવવાનાં સ્તરથી થોડું જ નીચું છે. આનાથી 9 કરતાં વધુ અણુબોમ્બ બનાવી શકાય તેમ છે.

ઇ-પેપરના નવા શુલ્ક