મનપાનો પ્રિમોન્સુન પ્લાન પાણીમાં : ઘર અને દુકાનોમાં પાણી ફરી વળ્યા, મોટાભાગના વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા
બે
કલાકમાં છ ઇંચ ખાબકતા રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા, શાળાઓમાં રજા જાહેર કરી
દેવાઇ, એસટી બસ સેવાને સ્થગિત કરવાની ફરજ પડી હતી
કામરેજ
7, પલસાણા 6, બારડોલી 4.5, ઓલપાડ 4 ઇંચ સહિત દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
(ફૂલછાબ
ન્યુઝ)
સુરત,
રાજકોટ તા.23: રાજયમાં ચોમાસું બરાબર જામ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. એમાં આજે
તો સુરત શહેરમાં આભ ફાટયું હોય એમ 10 ઇંચ વરસાદ વરસતા સ્માર્ટ સિટીની સૂરત બગાડી નાખી
છે. શહેરમાં પુણા ગામ, અડાજણ, વરાછા સહિતના વિસ્તારના લોકોએ પૂર જેવી સ્થિતિનો સામનો
કરવો પડ્યો. જળબંબાકારની સ્થિતિમાં વરસાદી પાણી ઘર અને દુકાનોમાં ઘૂસી જતા નુકસાની
સહન કરવાનો વારો આવતા લોકોએ મનપા પર રોષ ઠાલવ્યો
હતો. રસ્તાઓ પર નદી માફક પાણી વહેતા મનપાની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલી ગઇ હતી.
મોટાભાગના વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા હતા.
ભારે
વરસાદને કારણે શહેરના મોટાવરાછા, નાના વરાછા, મીનીબજાર, પાંડેસરા, પર્વત પાટિયા, લિંબાયત,
વેસુ, સીટીલાઇટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતાં જન-જીવન અસ્તવ્યસ્ત થયું હતું. સપ્તાહના
પ્રથમ દિવસે સમયસર કામકાજ અર્થે નીકળેલાં લોકોને ભારે વરસાદ અને ભારે ટ્રાફિકજામને
કારણે કામના સ્થળ પર પહોંચતા બેથી ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરની
ડ્રેનેજ સિસ્ટમ જાણે ઓવરફ્લો થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની
પ્રથમ વરસાદે જ પોલી ખુલી ગઈ હતી. લોકોએ સોશ્યિલ મીડિયા પર એસએમસીની કામગીરી સામે સવાલ
ઉઠાવ્યા હતા. વરાછા, પુણાગામ, રેલ્વે સ્ટેશન ગરનાળું, અડાજણ પ્રાઇમ માર્કેટ વિસ્તાર,
પાલ ગૌરવપથ પર સહિતના વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાતા વાહનવ્યવહાર થંભી ગયો હતો.
જિલ્લા
વહીવટતંત્રએ વરસાદની સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને એલર્ટ જાહેર કર્યો છે. સવારની
શરૂ થયેલી શાળાને વહેલી છોડી દેવા અને બપોર પછીને શાળાઓ બંધ રાખવાનો આદેશ કરાયો હતો.
શહેરમાં વહેલી સવારે માત્ર બે કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ શહેરમાં પડતાં સમગ્ર શહેર
પાણી-પાણી થયું હતું. હવામાન વિભાગનું માનીએ તો આગામી બેથી ત્રણ દિવસ સુધી સુરત સહિત
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
આજે
વહેલી સવારથી સુરત શહેરમાં ભારે વરસાદ પડતાં શહેરભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા
સેન્ટ્રલ બસ સ્ટેશને આવતી એસટી બસ સેવાને સ્થગિત કરવાની ફરજ તંત્રને પડી હતી. ડ્રાઇવરોને
જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તે વિસ્તારમાં બસ ન લઈ જવાની સૂચના આપવામાં આવી હતી.
શહેરના જે વિસ્તારમાં પાણી ભરાયા હતા તે વિસ્તારોના કોર્મશિયલના બેઝમેન્ટની લગભગ મોટાભાગની
દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને મોટું નુકશાન પહોંચ્યું છે. મોડી સાંજ થતાં સુધીમાં
વરસાદ થોડો ધીમો પડતાં અડાજણના ગેસ સર્કલ, ઋષભ ચાર રસ્તા, સુભાષ ગાર્ડન વિસ્તારમાંથી
રોડ પરના વરસાદી પાણી ઓસર્યા હતા. શહેરમાં વેહેલી સવારે બે કલાકમાં છ ઈંચ વરસાદ વરસ્યો
હતો. તથા આખા દિવસ દરમિયાન 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
સુરત
મનપાના ફ્લ્ડ કંટ્રોલના આજે વહેલી સવારથી મોડી સાંજ સુધી દરેક ઝોનના વરસાદી આંકડા મુજબ
સેન્ટ્રલ ઝોનમાં 242 મીમી, રાંદેર ઝોનમાં 198 મીમી, કતારગામ ઝોનમાં 194 મીમી, વરાછા
એ ઝોનમાં 249 મીમી, વરાછા બી ઝોનમાં 262 મીમી, લિંબાયત ઝોનમાં 128 મીમી, અઠવા ઝોનમાં
52 મીમી, ઉધના ઝોનમાં 99 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કોઝવેની સપાટી 6 મીટર ભાય
જનક સપાટીથી ઉપર 6.81 મીટરે પાણી વહેતા બંધ કરાવામાં આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
છે.
હવામાન
વિભાગના આજે વહેલી સવારથી મોડી સાંજ સુધી નોંધાયેલા વરસાદી આંકડા મુજબ સુરત જિલ્લાના
ઓલપાડમાં 107 મીમી, માંગરોળમાં 76 મીમી, ઉમરપાડામાં 42 મીમી, માંડવીમાં 76 મીમી, કામરેજમાં
181 મીમી, ચોર્યાસીમાં 90 મીમી, બારડોલીમાં 119 મીમી, પલસાણામાં 154 મીમી, મહુવામાં
43 મીમી અને સુરત સિટીમાં 239 મીમી વરસાદ નોંધાયો છે. તથા નવસારી જિલ્લાના જલાલપોરમાં
27 મીમી, ગણદેવીમાં 27 મીમી, નવસારી સિટીમાં 38 મીમી વરસાદ નોંધાયો છે. તેમજ વલસાડ
જિલ્લામાં કપરાડામાં 29 મીમી, ઉમરગામમાં 34 મીમી, વાપીમાં 23 મીમી વરસાદ નોંધાયો છે.
તથા તાપી જિલ્લાના વાલોડમાં 55 મીમી, સોનગઢમાં 23 મીમી, વ્યારામાં 58 મીમી, ડોલવણમાં
89 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ફ્લ્ડ કંટ્રોલના વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે
સવારથી મોડી સાંજ સુધીની ઉકાઈ ડેમની સપાટી 315 છે. જ્યારે રૂલ લેવલ 321 ફૂટ છે. તેમજ
ઈન ફ્લો 22000 ક્યૂસેક અને આઉટ ફ્લો 800 ક્યુસેક છે. તથા સુરતમાંથી પસાર થતા કોઝવેની
સપાટી હાલમાં 6 મીટર છે.
અનેક
વિસ્તારો પાણી-પાણી : શહેરના મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણ અને કેડસમા પાણી ભરાતા લોકોએ
ઘરમાં રહેવું પડ્યું હતું. રીંગ રોડ વિસ્તારમાં કાપડમાર્કેટોમાં પાણી ભરાવાની ઘટના
બની હતી. અનેક માર્કેટોમાંથી પાણી ઉલેચવા માટે ડી-વોટરીંગ પંપ બેસાડવામાં આવ્યા હતા
પરંતુ અવિરત વરસાદ પડતાં પંપ પણ હાંફ્યા હતા. મોટાભાગની કાપડમાર્કેટોમાં પાણી ભરાતાં
વેપારીઓ સમગ્ર દિવસ દરમિયાન દુકાનોમાં ભરેલો માલ સલામત સ્થળે ખસેડવામાં વ્યસ્ત રહ્યા
હતા. કાપડ માર્કેટોમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં પાણી ભરાતા કપડા સંગઠન
ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઈલ એસોસિએશનના(ફોસ્ટા) દ્વારા મેનેજમેન્ટ કમિટીને
અપીલ કરવામાં આવી છે કે જે વેપારીઓનો માલ સામાન સ્થળાંતરિત કરવામાં મદદ કરવામાં આવે
જેથી તેઓનુ આર્થિક નુકસાન ન થાય.
નીચાણવાળા
વિસ્તારોમાંથી 112 લોકોનું સ્થળાંતર કરાયું
મહાનગરપાલિકા
પાસેથી મળતી માહિતી મુજબ ફાયર વિભાગમાં શહેરના જુદા જુદા સ્થળોએ 14 જેટલા ઝાડ પડવાના
કોલ, સ્થળતાંતર કરવાના 11 કોલ આવ્યા હતા. જે પૈકી એલ.પી. સવાણી સર્કલ પાસે, ટયુશન કલાસના
આઠ બાળકો, સરથાણા ફાયર સ્ટેશન પાસે મારૂતિવાનમાં જતા પાંચ બાળકો, આનંદમહલ રોડ સ્થિત
ખાનગી હોસ્પિટલમાં ફસાયેલા 33 લોકો, સરથાણા જકાતનાકા પાસેથી 28 વિદ્યાર્થીઓ, વરાછાના
ખાંડ બજાર પાસેથી બેન્કના 18 કર્મચારીઓ,વનિતા વિશ્રામ કેમ્પસમાંથી વિદ્યાર્થી-વાલી
સહિત 6 લોકો, રામનગર વોક-વેથી એક મહિલા, મ્યુ. ટેનામેન્ટ પાસેથી 10 બાળકોને, પી. એમ
ભગત સ્કૂલના એક વિદ્યાર્થી સહિત કુલ 112 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ
ઉપરાંત અખંડ આનંદ કોલેજની બે વિદ્યાર્થિનીઓને પરીક્ષા આપવા સમયસર પહોંચાડવાની વ્યવસ્થા
કરવામાં આવી હતી. વરસાદી સ્થિતિમાં મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા અધિકારીઓને
માર્ગદર્શન આપી આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર
અને કચ્છમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી
અમદાવાદ,
તા.23 : હવામાન વિભાગે ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની
આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાતા
રાજ્યમાં આગામી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે ભારે વરસાદને કારણે માછીમારોને
આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. તે જ સમયે, લોકોને સાવચેત રહેવાની
પણ અપીલ કરવામાં આવી છે.
હવામાન
વિભાગના ડો. અશોક કુમાર દાસે માહિતી આપતા જણાવ્યું હતું કે 27 જૂને રથયાત્રામાં વરસાદ
પડવાની શક્યતા છે. આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રના
જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ
ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદરમાં યલો એલર્ટ જારી કરવામાં
આવ્યું છે. અહીં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઘણા વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી જારી
કરવામાં આવી છે. ગુજરાત ક્ષેત્રના ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ,
દાહોદ અને વડોદરા સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. 27 જૂન દરમિયાન આ વિસ્તારોમાં
ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, માછીમારોને 25 થી 29 જૂન દરમિયાન દરિયામાં ન જવાની
સલાહ આપવામાં આવી છે.
હવામાન
નિષ્ણાતોના મતે 24મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 24થી 27 બંગાળ ઉપસાગરની
સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. તથા રાજ્યના ઘણા ભાગોમાં 30 જૂન સુધી ગાજવીજ
સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેમજ દક્ષિણ
ગુજરાતના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાશે. સાથે સાથે રાજ્યના કેટલાક ભાગોમાં
વીજળી પડવાની શક્યતાઓ પણ છે.