• મંગળવાર, 01 જુલાઈ, 2025

તળાવના ખોદકામમાં મળ્યા કંકાલ : એકની લંબાઈ 8 ફૂટથી વધુ

હરિયાણાના જીંદમાં મનરેગાના કામ દરમિયાન મળ્યા 10 નર કંકાલ

નવી દિલ્હી, તા. 23 : હરિયાણાના જીંદ જિલ્લાના જુલાનાના ગામ દેવરડમાં મનરેગા યોજના હેઠળ તળાવનું ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન  10 નર કંકાલ મળી અવતા સનસની ફેલાઈ હતી. એક કંકાલની લંબાઈ તો 8 ફૂટ આસપાસ છે જે સામાન્ય કદ કરતા વધારે છે. આ ઉપરાંત માટીમાંથી મળેલા જડબા અને અન્ય હાડકા પણ સામાન્ય માણસના શરીર કરતા વધુ મોટા હોવાનું કહેવાય રહ્યું છે. ખોદકામ દરમિયાન ટુટેલા માટલ અને માટીના અન્ય વાસણો મળી આવ્યા છે. જેનાથી કહી શકાય છે કે આ અવશેષો પ્રાચીન છે.

દેવરડમાં મનરેગા હેઠળ બે મહિનાથી તળાવમાં ખોદકામ ચાલી રહ્યું હતું. જેમાં દરરોજ 50-60 શ્રમિકો કામ કરી રહ્યા હતા. તેવામાં અચાનક હાડપિંજર મળી આવતા શ્રમિકો ડરી ગયા હતા. બાદમાં ગામના સરપંચને જાણકારી આપવામાં આવી હતી અને તેઓએ બીડીપીઓને સૂચના આપી હતી. જેમ જેમ શ્રમિકો ખોદકામ કરતા ગયા તેમ તેમ વધુ નર કંકાલ મળ્યા હતા. કામગીરીમાં કુલ 10 હાડપિંજર મળ્યા હતા અને સાથે જૂના યુગના માટીના વાસણોના અવશેષો સામે આવ્યા હતા. આ હાડપિંજરની લંબાઈ સામાન્ય માણસના શરીર કરતા વધારે હતી અને હાડકા પણ લાંબા હતા.

જુલાનાના બીડીપીઓ પ્રતીક જાંગડાના કહેવા પ્રમાણે હાડપિંજર મળી આવતા તાકીદે ખોદકામ રોકી દેવાયો હતો. તપાસ બાદ જ આગળની કામગીરી શરૂ કરવામાં આવશે. હાડપિંજરની સટીક જાણકારી માટે પુરાતત્ત્વ વિભાગ અને વૈજ્ઞાનિકોની મદદ લેવામાં આવશે. શ્રમિકો અને ગ્રામીણોનો દાવો છે કે જે રીતે હાડકા દબાયેલા હતા તેનાથી લાગી રહ્યું છે કે તમામને યોગ્ય રીતે દફનાવવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક