• મંગળવાર, 01 જુલાઈ, 2025

કડીમાં કમળ, વિસાવદરમાં ઝાડુ

વિસાવદરમાં ‘આપ’ના ગોપાલ ઈટાલિયાએ ભાજપના ધરખમ કિરીટ પટેલને 17,554 મતોની લીડથી પરાજય આપ્યો : કડીમાં ભાજપના રાજેન્દ્રકુમાર ચાવડાનો 39,452 મતથી વિજય

 

અમદાવાદ, જૂનાગઢ, તા.23  : રાજ્યની અનુસૂચિત જાતિ માટેની કડીની અનામત બેઠક અને વિસાવદરની ખાલી પડેલી બેઠકો ઉપર 19મીના ગુરુવારે મતદાન યોજાયા બાદ આજે સોમવારે મતગણતરી હાથ ધરાઈ હતી. જેના પરિણામ બપોર સુધીમાં જાહેર થઈ ચૂક્યાં હતાં જે મુજબ કડીની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્રકુમાર ચાવડા કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા સામે 39,452 વોટથી વિજયી થયાં છે. ભાજપના ગઢ સમી આ કડીની પરંપરાગત બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાને માત્ર 3090 વોટ મળ્યા હતા. જોકે, તેની સામે વિસાવદરની પેટા-ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ મોટું કાઠું કાઢ્યું છે. વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં આપના ગોપાલ ઈટાલિયાને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે 17,554 જેવા ધરખમ વોટથી જીત મળી છે. વિસાવદરની બેઠક પર ત્રીજા નંબરે રહેલી કોંગ્રેસને માંડ 5501 વોટ જ મળ્યા હતા.

અનુસૂચિત જાતિ અનામત એવી કડી વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય કરસનભાઇ સોલંકીનું નિધન થવાને કારણે આ બેઠક ખાલી પડી હતી. જ્યાં યોજાયેલી પેટા-ચૂંટણીમાં ભાજપે ફરીથી આ બેઠક જીતીને કડીની પરંપરાગત બેઠક ઉપર ભગવો યથાવત્ રાખ્યો છે. કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રકુમાર ચાવડાને 99,742 અને કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાને 60,290 વોટ જ્યારે આપના ઉમેદવારને 3090 વોટ ઉપરાંત નોટાને 1701 વોટ મળ્યા હતા. 1990થી વચ્ચેની એક ચૂંટણીને બાદ કરતાં ક્યારેય આ બેઠક પર ભાજપનો પરાજ્ય અને કોંગ્રેસની જીત થઈ નથી.

એવી જ રીતે વિસાવદરમાં ખાલી પડેલી બેઠક કોર્ટ મેટરના કારણે અટવાઈ હતી. કોર્ટ કેસ પાછો ખેંચાયા બાદ અહીં પેટા ચૂંટણી શક્ય બની હતી. આ એવી બેઠક છે કે, જ્યાં છેલ્લી 4 ચૂંટણીથી ભાજપને વિજય મળ્યો નથી. અહીંનો ટૂંકો ઈતિહાસ એવો છે કે, વિસાવદરથી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રિબડિયા જીત્યા હતા પરંતુ તેમણે જે તે સમયે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો પરિણામ સ્વરુપ 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે અહીં ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા હર્ષદ રિબડિયાનો ચૂંટણી જંગ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી સામે ખેલાયો હતો. જેમાં ભાજપને પરાજ્ય અને આમ આદમી પાર્ટીને વિજય મળ્યો હતો. 

જો કે, તેમણે પણ આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને તેઓ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારથી ખાલી પડેલી આ બેઠક પર હવે પેટાચૂંટણી યોજાઈ હતી ત્યારે ભાજપે આ વખતે હર્ષદ રિબડિયા અને ભૂપત ભાયાણીને હાંસિયામાં ધકેલીને કિરીટભાઈ પટેલને નવા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરિટ પટેલને 58,388 અને આપના ગોપાલ ઈટાલિયાને 75,942 વોટ મળતા તેઓ 17,554 વોટથી જીતી ગયા હતા. છેલ્લા એકાદ દાયકા કરતાં વધુ સમયથી ભાજપ સામે સંઘર્ષ કરી રહેલા ગોપાલ ઈટાલિયા હવે વટભેર ગુજરાત વિધાનસભામાં પ્રવેશ મેળવશે. 

ફરી વિધાનસભા 182 ધારાસભ્યથી ભરાશે

કુલ 182 બેઠક ધરાવતી ગુજરાત વિધાનસભામાં હવે ભાજપનું સંખ્યાબળ 161થી વધીને 162 થયું છે. જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા 4થી વધીને 5 થઈ ગઈ છે. કડી-વિસાવદર જેવી ખાલી પડેલી 2 બેઠક માટે યોજાયેલી પેટા-ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હોવાથી વિધાનસભામાં તેની સભ્ય-સંખ્યા 12 રહી છે. બે અપક્ષ ધારાસભ્ય છે, જેમનું ભાજપને સમર્થન છે. એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે.

હારની જવાબદારી કબૂલી શક્તિસિંહનું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું

નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી શૈલેષ પરમારને જવાબદારી

અમદાવાદ, તા.23 : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં આજે એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તાસિંહ ગોહિલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી હતી અને જણાવ્યું કે, ‘પ્રદેશ પ્રમુખ તરીકે મારી આ છેલ્લી પ્રેસ કોન્ફરન્સ છે.‘ તેમણે કડી અને વિસાવદર પેટાચૂંટણીના પરિણામોને ‘આઘાતજનકગણાવ્યા હતા અને કહ્યું હતું કે, પોતાના નેતૃત્વ હેઠળ અપેક્ષિત પરિણામો ન આવતા હોવાની જવાબદારી સ્વીકારીને આ પગલું ભર્યું છે.  શક્તાસિંહ ઉમેર્યુ હતું કે, કોંગ્રેસમાં સંગઠન સુધારણા કાર્યક્રમની શરૂઆત ગુજરાતથી થઈ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જિલ્લા કક્ષાએ કાર્યકરોનો અવાજ સાંભળીને જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવી રહી છે, અને જિલ્લા તથા શહેર પ્રમુખની નવી નિમણૂકથી કોંગ્રેસને નવું બળ મળ્યું છે. તેમણે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ યોગ્ય અને સક્ષમ ઉમેદવારો હોવાનું જણાવ્યું હતું.

ગોહિલે પોતાના રાજીનામા પાછળનું કારણ સ્પષ્ટ કરતા કહ્યું કે, ‘મારા નેતૃત્વમાં પરિણામ ન આવી શક્યું, તેથી હું રાજીનામું આપું છું. ‘બેમાંથી એક સીટ પણ મળી હોત તો પણ સારું લાગત અને કદાચ હું રાજીનામું ના આપત પરંતુ આ પરિણામોની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારીને મેં મારું રાજીનામું હાઇકમાન્ડને સોંપ્યું છે.’

મહત્વનું છે કે, શક્તાસિંહ ગોહિલે રાષ્ટ્રીય અધ્યક્ષને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. જ્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી તેમણે આ જવાબદારી શૈલેષ પરમારને સોંપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસમાં સંગઠન બદલાવની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને આ રાજીનામું તે દિશામાં એક મોટું પગલું છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડ કોને ગુજરાતની કમાન સોંપે છે, તે જોવું રસપ્રદ રહેશે.

પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપમાં અમિત નાયક કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

અમદાવાદ, તા.23: ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો પર પેટા ચૂંટણીમાં હારના પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસના પ્રવકતા અમિત નાયકને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમિત નાયકે અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ હિમતસિંહ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથેનો એક ફોટો

સોશિયલ મીડિયા પર શેર કરીને પક્ષ વિરોધી પોસ્ટ મૂકી હતી. આ ઉપરાંત, તેમણે દલિત સમાજ વિરૂધ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનું અને બીભત્સ ગાળો આપી હોવાનું ઓડિયો ક્લિપમાં શિસ્ત સમિતિ સમક્ષ રજૂ થયું છે. આ શબ્દો એટ્રોસીટી કાયદા હેઠળ ગુનો ગણાય છે.

વધુમાં એક અન્ય ઓડિયો ક્લિપમાં નાયકની પૈસાના લેવડદેવડની વાતચીત પણ સામે આવી છે, જેને શિસ્ત સમિતિએ ગંભીરતાથી લીધી. કોંગ્રેસ પ્રદેશ સમિતિનું કહેવું છે કે પક્ષના કાર્યકર્તાને નેતૃત્વ અથવા પક્ષની બાબતે ફરિયાદ કરવાનો અધિકાર છે, પરંતુ સોશિયલ મીડિયા કે મીડિયા દ્વારા પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું સ્વીકાર્ય નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક