• મંગળવાર, 01 જુલાઈ, 2025

અમેરિકા પછી હવે રશિયા યુદ્ધમાં ઝૂકાવવાની તૈયારીમાં?

દુનિયા ઉપર મહાયુદ્ધનું સંકટ

ઈરાનની મદદની પોકાર પછી પુતિને કહ્યું, ઈરાન નક્કી કરે તેને કેવા પ્રકારની સહાયતા જોઈએ

 

નવીદિલ્હી, તા.23: અમેરિકાએ યુદ્ધમાં કૂદીને ઈરાનનાં ત્રણ પરમાણુ મથકોને નિશાન બનાવતો હુમલો કર્યાનાં બીજા અને આ યુદ્ધનાં 11મા દિવસે આજે ઈરાન અને ઈઝરાયલે સામસામે ભીષણ મિસાઈલ મારો ચલાવ્યો હતો. જેમાં આજે ઈઝરાયલે ફરીથી ઈરાનનાં ફોર્દો પરમાણુ કેન્દ્ર ઉપર ઘાતક પ્રહારો કર્યા હતાં. આ યુદ્ધમાં અમેરિકાએ ઝુકાવ્યા બાદ ઈરાને રશિયાને મદદની પોકાર લગાવી હતી અને તેનાં જવાબમાં રશિયાએ કહ્યું છે કે, તે ઈરાનને કોઈપણ પ્રકારની મદદ કરવા માટે તૈયાર છે અને હવે નક્કી તેહરાને કરવાનું છે કે, તેને રશિયા પાસેથી કેવી મદદ જોઈએ છે. આમ, અમેરિકા પછી જો હવે રશિયા આ લડાઈમાં કૂદશે તો દુનિયાને જેની ભીતિ છે તેવાં ભયાનક અને વિનાશક વિશ્વયુદ્ધની હાલત પેદા થઈ જશે. દરમિયાન સીરિયાનાં અલ હસકા પ્રાંતમાં અને કતારમાં સૌથી મોટા અમેરિકી સૈન્ય મથક ઉપર હુમલો થતાં મધ્યપૂર્વમાં કોહરામ મચી જવાની દહેશત ફાટી નીકળી છે. અમેરિકાએ આગોતરી ચેતવણી આપેલી જ છે કે, આવા કોઈપણ પ્રયાસનો સજ્જડ જવાબ આપવામાં આવશે. તો ઈઝરાયલને હવે લાગે છે કે, અમેરિકાનાં હુમલા પછી ઈરાનનાં પરમાણુ કાર્યક્રમને ખોરવવાનું લક્ષ્ય સિદ્ધ થઈ ગયું છે અને તેનાં તરફથી હવે યુદ્ધ અટકાવવાનાં પ્રયાસો પણ શરૂ કરવામાં આવી રહ્યાં છે.

ઈરાનનાં પાટનગર તેહરાનને ઈઝરાયલે ભયાનક ધડાકાઓથી ખળભળાવી નાખ્યું હતું. કહેવાય છે કે, બે કલાકનાં ટૂંકા ગાળામાં જ ઈઝરાયલે ઈરાન ઉપર 100 આગ ઓકતી મિસાઈલોનો વરસાદ કરી નાખ્યો હતો.

ઈરાને ઈરાનનાં સરકારી અને સૈન્ય ઠેકાણાઓ ઉપર હુમલો કરવાનું એલાન કર્યુ છે. બીજીબાજુ ઈરાને પણ ઈઝરાયલમાં ડ્રોન અને મિસાઈલોની એક નવી લહેર દાગી દીધી હતી. જેમાં ઈઝરાયલમાં પણ અનેક ઠેકાણે પ્રચંડ ધડાકાઓ થયા હતાં. ઈરાનનાં મીડિયા કહે છે કે, ઈઝરાયલનાં અશ્દોદ વીજમથક ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેનાં હિસાબે ઈઝરાયલમાં વીજસંકટ પણ સર્જાર્યુ છે. ઈઝરાયલનાં અનેક શહેરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. તો બીજીબાજુ ઈઝરાયલી સેનાએ ઈરાનનાં છ એરપોર્ટ ઉપર ભીષણ પ્રહારો કર્યા હતાં. દરમિયાન અન્ય એક અહેવાલ અનુસાર ઈઝરાયલે ફરીથી ફોર્દો પરમાણુ મથક ઉપર પણ ઘાતક મિસાઈલો દાગી હતી. સંયુક્તરાષ્ટ્ર પરમાણુ નિરીક્ષણ સંસ્થાનાં કહેવા અનુસાર અમેરિકા અને ઇઝરાયલનાં હુમલાથી ફોર્દો પરમાણુ કેન્દ્રને મોટું નુકસાન થયું છે. તો આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(આઈએમએફ)નાં કહેવા અનુસાર અમેરિકાની સૈન્ય કાર્યવાહીથી અમેરિકા સહિત દુનિયામાં આર્થિક અનિશ્ચિતતા પેદા થઈ ગઈ છે.

આ યુદ્ધમાં ઝંપલાવ્યા પછી અમેરિકાને પણ ઈરાન તરફથી જવાબી કાર્યવાહીની આશંકા છે. જેને પગલે અમેરિકાએ લેબનાન, સીરિયા, કતાર, જોર્ડન સહિતનાં દેશોમાં પોતાનાં દૂતાવાસોનાં માધ્યમથી એડ્વાઈઝરી જારી કરી છે. અમેરિકાનાં ગૃહ વિભાગે આપેલા રાષ્ટ્રીય બુલેટિનમાં સાઈબર હુમલા અને હિંસાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. તો ઈરાને સામે પક્ષે મધ્યપૂર્વમાં અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવવાની સંભાવના નકારી નથી. ઈરાનનાં ઉપવિદેશમંત્રી સઈદ ખતીબજાદેહે કહ્યું હતું કે, ઈરાન પાસે અમેરિકાને જવાબ આપવાનો અધિકાર છે. અમેરિકાને ક્યારે અને કેવી રીતે જવાબ આપવો તે હવે ઈરાન નક્કી કરશે.

ઈઝરાયલ અને અમેરિકા જેવી બે મહાશક્તિઓનાં આક્રમણમાં ઘેરાઈ ગયેલા ઈરાને રશિયા સામે મદદનો હાથ લંબાવ્યા બાદ આજે રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં ઈરાનનાં વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી હતી અને તેમાં અમેરિકાનાં હુમલાની નિંદા કરીને ઈરાનનાં પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું હતું કે, ઈરાનની જનતા રશિયા ઉપર પૂરો ભરોસો રાખી શકે છે. પુતિને કહ્યું હતું કે, ઈરાન ખિલાફ આવા હુમલાનો કોઈ આધાર કે ઔચિત્ય નથી. તો ક્રેમલિનનાં પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું હતું કે, રશિયા ઈરાનને કોઈપણ પ્રકારની સહાયતા આપવા માટે તૈયાર છે. ફેંસલો ઈરાને કરવાનો છે કે, તેને રશિયા પાસેથી કેવી મદદ જોઈએ છે.

 

ઈરાનથી વધુ 285 ભારતીય નાગરિકની દેશમાં વાપસી

નવી દિલ્હી, તા. 23 : ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ધ્યાને લઈ ભારત સરકારે હાથ ધરેલા ઓપરેશન સિંધુ અંતર્ગત ઈરાનથી વધુ 285 ભારતીય નાગરિકને સ્વદેશ લવાયા હતા. આ સાથે અત્યાર સુધી કુલ 1713 ભારતીય દેશમાં પરત ફર્યા છે, તો ઈઝરાયલથી પણ 160 ભારતીયને દેશમાં લવાયા હતા.

એક મીડિયા હેવાલ મુજબ, ઈરાન-ઈઝરાયલ છેલ્લા 11 દિવસથી યુદ્ધ લડી રહ્યા છે, તે વચ્ચે ઈરાનથી 285 યાત્રીઓને લઈને નીકળેલું વિમાન રવિવારે મોડી રાત્રે દિલ્હી પહોંચ્યું હતું.

બીજી તરફ ઈઝરાયલ પર ઈરાનના વધતા હુમલાઓને ધ્યાને લઈ 160 ભારતીય નાગરિકને પણ ભારત લઈ આવવા કવાયત હાથ ધરાઈ હતી અને વિમાન જોર્ડન પહોંચ્યું હતું, જે સોમવારે દિલ્હી આવશે.

નોંધનીય છે કે, આ પહેલાં પણ 21 જૂને 600, 20 જૂને 407 અને 19 જૂને 110 ભારતીયને દિલ્હી લવાયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક