કેશોદની ઉતાવળી નદીમાં રિક્ષા ફસાઈ, ડ્રાઈવર સહિત 3નું રેસ્કયું
રાજકોટ,
તા.22 : હવામાન વિભાગ દ્વારા આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તે મુજબ
જ સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને મેઘરાજા મહેરબાન
થયા છે. જેના પગલે અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે અને વાવણી સમયે વરસાદ થતાં
ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જામનગર અને પોરબંદર જિલ્લામાં અનરાધાર ચારથી 7
ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. આ સિવાય રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં પણ સારો વરસાદ વરસી
ગયો હતો. જામનગર જિલ્લામાં આજે ધોધમાર વરસાદ
વરસ્યો છે અને જામનગરની ભાગોળે આવેલ વાણિયા વાગડીયામાં નદી બે કાંઠે થતા ચેકડેમ છલકાઈ
ગયો હતો. જેના કારણે રણજીતસાગર ડેમમાં પાંચ ફૂટ નવા નીરની આવક થઈ છે અને હજુ આવક ચાલુ
હોવાથી નિચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. આજે જોડિયામાં સાત ઇંચ અનરાધાર
વરસાદ વરસ્યો હતો અને મુખ્ય બજારમાં પાણી વહેતા થયા હતા અને આસપાસના દરિયાકાંઠાળ ગામોમાં
પણ સારો વરસાદ વરસ્યો હતો. કાલાવડમાં પાંચ, જામજોધપુરમાં પોણા ત્રણ, જામનગરમાં પોણા
બે, લાલપુરમાં પોણા બે અને ધ્રોલમાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો છે અને હજુ પણ વાદળોના
ગળગળાટ ચાલુ છે, જે જોતા રાત્રે પણ જિલ્લામાં સારા વરસાદની સંભાવના છે. ગ્રામ્ય વિસ્તારમાં
પણ ભારે વરસાદે ખેડૂતો ગેલમાં આવી ગયા છે અને લાપસીના આંધણ મુકાયા છે. આ સાથે જામનગરમાં
વરસાદ અને વીજળીને કાયમ વાંકું હોય તેમ આજે પણ શહેરના ઘણા વિસ્તારોમાં સાત કલાકથી વધુ
સમય સુધી વીજળી વેરણ થઈ છે અને ક્યારે આવશે તે કહેવા માટે પીજીવીસીએલ અસમર્થ છે. છેલ્લા
ઘણા સમયથી મેન્ટેનન્સના નામે જાહેર નોટિસ દ્વારા વીજકાપ થતો આવ્યો છે તેમ છતાં વરસાદને
પગલે વીજળી ગુલ થતા વરસાદ પૂર્વે કેવા પ્રકારનું રીપેરીંગ થતું હશે તે સમજવા જેવું
છે.
પોરબંદર
જિલ્લામાં અંતે ચોમાસું સક્રિય થયું હોય તેમ રવિવારે દિવસભર વરસાદ વરસ્યો હતો. જેમાં
સૌથી વધુ માધવપુર ઘેડ અને તેની આજુબાજુના ઘેડ પંથકના વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો વરસાદ
નોંધાયો છે જેના કારણે ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ ગયા છે. પોરબંદરથી માધવપુર સુધીની
દરિયાઈ પટ્ટી ઉપર વ્યાપક ચારથી પાંચ ઇંચ વરસાદ વરસતા અનેક ગામડાઓના ખેતર વરસાદી પાણીમાં
ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને ઘેડ પંથક રકાબી આકારનો હોવાથી ત્યાં વરસાદી પાણી ને લીધે
ખેતરો ડૂબવા મંડયા છે. ઉપરાંત કુતિયાણા તથા તેની આજુબાજુના વિસ્તાર અને કુતિયાણાના
ઘેર પંથકમાં સાંજે 6 વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. રાણાવાવ
અને આદિત્યાણા સહિત બિલેશ્વર અને હનુમાનગઢ તેમજ બરડા ડુંગરની આજુબાજુના વિસ્તારમાં
પણ બે ઇંચ થી વધુ વરસાદ ચુક્યો છે. પોરબંદર શહેર અને તેની આસપાસના વિસ્તારમાં પણ મોદી
સાંજ સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે.
જૂનાગઢ
શહેર તથા જિલ્લામાં સવારથી મેઘરાજાએ પધરામણી કરી દિવસભર હેત વરસાવ્યું હતું. સાંજ સુધીમાં
કેશોદમાં 5 અને માણાવદરમાં 4 ઈંચ, મેંદરડામાં 4.5, વંથલી, વિસાવદર અને ગીરનાર પર્વતમાળામાં
2-2 ઈંચ, જૂનાગઢમાં અઢી, ભેંસાણમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. સમગ્ર પંથકમાં સારા વરસાદથી
જળાશયોમાં નવા નીરની આવક થઈ છે અને ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. જો કે, મોડી સાંજે પણ
મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે. માળીયાહાટીનામાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો
હતો અને સાંજે 6 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ નોંધાયો હતો. સાથે આસપાસના ભંડુરી, ગડોદર,
વિરડી, દેવગામ સહિતના ગામડાઓમાં પણ સારો વરસાદ પડયો હતો.
રાજકોટ
જિલ્લાના ધોરાજી શહેર અને પંથકમાં દોઢ ઈંચ સુધી મેઘ મહેર વરસી હતી. યાત્રાધામ વીરપુર
અને પંથકના થોરાળા, કાગવડ, જેપુર, હરિપુર, મેવાસા સહિતના ગામોમાં આજે વહેલી સવારથી
મેઘરાજાનું આગમન થયું હતુ. જેતપુરમાં સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં અઢી
ઈંચ વરસાદ વરસી ગયો હતો. જામકંડોરણામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો અને દિવસભર
ઝાપટારૂપે ઝરમર 6 મીમી વરસાદ નોંધાયો હતો. જેતપુર પંથકમાં પણ સારા વરસાદને પગલે ખેડૂતોએ
વાવણી શરૂ કરી છે.
બોટાદ
શહેરમાં આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા હળવું વરસાદી ઝાપટું પડયું હતું જેને
લઇ શહેરના રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
અરવલ્લી
જિલ્લામાં ઉપરવાસમાં સિઝનમાં પહેલીવાર ધોધમાર મેઘમહેર થતાં ખુશીની લહેર પ્રસરી છે.
ભિલોડાની હાથમતી, બુઢેલી, ઈન્દ્રાસી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. બીજી તરફ નીચાણવાળા
અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોડાસાના નવા બનેલા આઈકોનિક બસ પોર્ટમાં પણ પાણી
પડતા મેનેજમેન્ટ સામે સવાલ ઉભા થયા છે.