• મંગળવાર, 01 જુલાઈ, 2025

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન

3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 353 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઇ : 751 ગ્રામ પંચાયતો બિનહરીફ

 

રાજકોટ, તા.22: રાજ્યમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ છે. કુલ 85 લાખ ગ્રામીણ મતદાતાઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને બેલટ પેપર પર સ્થાનિક નેતાના નામ આગળ સિક્કો માર્યો છે. કુલ 3,541 ગ્રામ પંચાયતોમાં સવારે 7 વાગ્યાથી લઇને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું છે. વરસાદના વિઘ્ન સાથે બે-ત્રણ ઘટના સિવાય સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયું છે.

રાજ્યના 33 જિલ્લા સામાન્ય, મધ્યસત્ર અને વિભાજન હેઠળની ચૂંટણી હેઠળની 4564 ગ્રામ પંચાયતો પૈકી કુલ 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થયા બાદ 3541 ગ્રામ પંચાયતોમાં 22મીના રવિવારે મતદાન હાથ ધરાયું હતું. એવી જ રીતે, પેટા ચૂંટણી હેઠળની કુલ 3524 ગ્રામ પંચાયતો પૈકી બેઠકો બિનહરિફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠક ખાલી રહી હોય તેવી કુલ 3131 ગ્રામ પંચાયતો બાદ કરતાં 353 ગ્રામ પંચાયતોમાં પેટા-ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગ્રામ પંચાયતોમાં 3656 સરપંચોની બેઠકો અને 16,224 સભ્યોની બેઠકો માટે મતદાન યોજાયું હતું. રાજ્ય ચૂંટણી પંચની વિગતો મુજબ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન હાથ ધરાયું હતું. ઈવીએમને બદલે બેલેટ પેપરથી હાથ ધરાયેલી આ ચૂંટણીમાં પ્રાથમિક માહિતી મુજબ સરપંચની બેઠકો માટે અંદાજે સરેરાશ 73.4 ટકા અને સભ્યોની બેઠકો માટે અંદાજે સરેરાશ 69.34 ટકા મતદાન થયું હતું. હવે,25મીએ મત-ગણતરી હાથ ધરાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાઈ હોવાથી મત-ગણતરી અને પરિણામો જાહેર કરવામાં પણ સ્વાભાવિક રીતે મોડું થવાની શક્યતા નકારી શકાતી નથી. 

રાજ્ય ચૂંટણી આયોગે કુલ 8326 ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્રી અને પેટા ચૂંટણી માટે 28મી, મે-2025ના રોજ કાર્યક્રમની જાહેરાત કરી હતી પરંતુ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓને ધ્યાને રાખી કડી જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ રદ કરવામાં આવી હતી. સામાન્ય, મધ્યસત્ર, વિભાજન, પેટા ચૂંટણી હેઠળ કુલ 10,479 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. જેમાં 3939 સંવેદનશીલ મતદાન મથકો અને 336 અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. વરસાદી વાતાવરણ હોવા છતાં, મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગોએ ભારે ઉત્સાહભેર મતદાન કર્યું. લોકશાહીના આ પર્વમાં નાગરિકોની સક્રિય ભાગીદારી જોવા મળી. પોલીસ અને હોમગાર્ડના જવાનોએ વૃદ્ધો, દિવ્યાંગો અને અશક્ત મતદારોને મતદાન મથક સુધી પહોંચવામાં અને મદદ કરવામાં સરાહનીય કામગીરી કરી, જેનાથી સૌ કોઈ સરળતાથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શક્યા.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામમાં આવેલા ધામણખોબરા પ્રાથમિક શાળાના બૂથ નંબર-2 ખાતે મતદાન પ્રક્રિયામાં માથાકૂટ થતાં છેલ્લા બે કલાકથી મતદાન બંધ કરી દેવામાં આવ્યું હતું. આ માથાકૂટ દરમિયાન ચૂંટણી પ્રક્રિયાને લગતી કેટલીક સામગ્રી ગુમ થતાં ઝાલોદના પ્રાંત અધિકારીએ મતદાન પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો. પરિસ્થિતિ વધુ વણસી જ્યારે સરપંચના 43 અને સભ્યોના 43 બેલેટ ગુમ થયા હોવાનું જણાયું. આ ગંભીર ઘટનાને પગલે મોટીહાંડીના ધામણખોબરા શાળાના બૂથ નંબર-2 ખાતે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ઝાલોદના જઉખ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હવે, ગુમ થયેલા બેલેટને કારણે 24 જૂને આ બૂથ પર ફરીથી મતદાન યોજાશે. ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-2ની ચૂંટણીમાં બેલેટ પેપરમાં ભૂલ હોવાનું જણાતા વોર્ડ નંબર-2ની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.

તેમજ ભાવનગરના ફરિયાદકા બુથ પર બોગસ મતદાન થયાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. જોકે, આ મામલે અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે જે વ્યક્તિ મતદાન કરવા ગયા હતા તે સ્વેચ્છાએ પાછા આવ્યા હતા અને તેમનો નંબર 146 હતો, જે ભૂલથી 145 નંબર પર માર્ક થઈ ગયો હતો. અધિકારીના મતે, આ કોઈ બોગસ મતદાનનો મામલો નથી, પરંતુ ગ્રામજનોની જાગૃતિને કારણે આ ભૂલ ધ્યાનમાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક