• મંગળવાર, 01 જુલાઈ, 2025

સૌરાષ્ટ્રમાં સચરાચર સારા વરસાદે ધરતીને ભીંજવી દીધી

રાજ્યના 31 જિલ્લાના 159 તાલુકાઓમાં વરસાદ પડયો, સૌથી વધુ સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઇંચ

 

રાજકોટ, તા.22 : ગુજરાતમાં 16 જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ આઠ દિવસમાં જ સમગ્ર રાજ્યને કવર કરી લીધું છે. આઠ દિવસમાં રાજ્યમાં સીઝનનો સરેરાશ 16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં મેઘમહેરની આગાહી કરી છે. આજે દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં રેડએલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ જ વરસાદ વરસ્યો હતો. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન 31 જિલ્લાના 159 તાલુકામાં વરસાદ પડયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યનો સરેરાશ વરસાદ 15.04 મિ.મિ. થયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વરસતા બન્ને જિલ્લાઓ જળબંબાકાર બન્યા છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં 12.2 ઇંચ અને ખેડબ્રહ્મામાં 10.3 ઇંચ તેમજ બનાસકાંઠા જિલ્લાના દાંતામાં 8.9 ઇંચ (226 મિ.મિ.) વરસાદ ખાબક્યો છે.

સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં સચરાચર બેથી 7 ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો તો  પોરબંદર શહેર અને જિલ્લામાં પણ પાંચ ઈંચ સુધી વરસાદથી ચોમેર પાણી પાણી થઈ ગયું છે. ખાસ કરીને ઘેડ પંથકમાં સારો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આજે સવારથી જ મેઘરાજા મહેરબાન થયા હતા અને જિલ્લાના યાત્રાધામ વીરપુર અને ધોરાજી પંથકમાં બેથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ શહેર તથા જિલ્લામાં એકથી 6 ઈંચ સુધી વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સૌરાષ્ટ્રમાં સચરાચર સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રથમ વરસાદે ધરતીને ભીંજવી દીધી છે અને વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે. હવામાન વિભાગ દ્વારા આજથી 25 જૂન સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. આજના આ વરસાદથી ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ હોવાનું મનાઇ રહ્યું છે અને લોકો તેમજ ખેડૂતો બંને આશા રાખી રહ્યા છે કે આ ચોમાસું રાજ્ય માટે ખુબજ સારું સાબિત થશે. બીજી તરફ ગુજરાતમાં વરસાદ લાવતી એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે અને 30 જૂન સુધી સાર્વત્રિક વારસાદનું પણ અનુમાન છે. હવામાન વિભાગે તો 25 જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક