• મંગળવાર, 01 જુલાઈ, 2025

કોલકતા સામૂહિક બળાત્કાર : ચોથી ધરપકડ

કોલેજ પરિસરમાં હાજર હોવા છતાં ચોકીદારે મદદ ન કરી : પીડિતાએ કહ્યું, બળાત્કારનો વીડિયો ઉતારીને નરાધમોએ તેને વાયરલ કરવાની ધમકી આપેલી: તપાસ માટે સીટની રચના

કોલકતા, તા.28: કોલકતાની લો કોલેજમાં છાત્રા ઉપર સામૂહિક બળાત્કારની ઘટનામાં હવે ચોથી ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આમાં એક ગાર્ડની ફરજમાં બેદરકારીનાં આરોપમાં ધરપકડી કરી હોવાનું જાણવા મળે છે. ચોતરફ રોષ જન્માવનાર આ બળાત્કારકાંડની તપાસ માટે પાંચ સદસ્યની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) રચવામાં આવી છે. જે હવે આમાં આગળ તપાસ હાથ ધરશે.

સામૂહિક બળાત્કારની પીડિતાએ પોલીસને આપેલા નિવેદન અનુસાર આરોપીઓ દ્વારા બળાત્કારનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. તેને ધમકી આપવામાં આવી હતી કે જો આ અધમ કૃત્ય વિશે તે કોઈને જાણ કરશે તો તેને ઓનલાઈન ચડાવી દેવામાં આવશે.

પશ્ચિમ બંગાળનાં પાટનગર કોલકતાની એક લો કોલેજની પ્રથમ વર્ષની 24 વર્ષીય છાત્રા ઉપર કોલેજ સંકુલમાં જ એક પૂર્વ અને બે સિનિયર છાત્રોએ બળાત્કાર ગુજાર્યો હતો. કોલકતા પોલીસે પણ ચિકિત્સા તપાસમાં સામૂહિક બળાત્કારની પુષ્ટિ થઈ હોવાનું જણાવ્યું છે.

દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગે પશ્ચિમ બંગાળનાં મુખ્ય સચિવને પત્ર લખીને દક્ષિણ કોલકતાની આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવા અને પીડિતાનાં પરિવાર સાથે મુલાકાત માટે પોલીસનાં સહયોગની માગણી કરી છે.

સામૂહિક બળાત્કારની આ ઘટનામાં ચોકીદારની ધરપકડ વિશે પોલીસે જણાવ્યું હતું કે, પૂછપરછમાં તેણે ગોળગોળ જવાબો અપ્યા હતાં અને સીસીટીવી ફૂટેજમાં પણ જોવામાં આવ્યું હતું કે, આ ઘટના વખતે તે કોલેજ પરિસરમાં હાજર હતો. આરોપીનાં કહેવાથી જ તે રૂમની બહાર નીકળી ગયો હતો અને પીડિતા કરગરતી રહી હોવા છતાં તેણે મદદ કરી નહોતી.  દરમિયાન ભાજપનાં અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ ચાર સદસ્યની એક સમિતિ આ ઘટનાની તપાસ માટે બનાવી છે. જે તેમને આનો અહેવાલ આપશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક