ઈમર્જન્સી બેઠકમાં રજૂ થયેલા સીઝફાયરના પ્રસ્તાવનું પાકિસ્તાને પણ સમર્થન કર્યું
નવી દિલ્હી, તા. 23 : ઈરાન ઉપર
અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ યુએનએસસી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા
પરિષદની ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક દરમિયાન ઘણા દેશોએ અમેરિકાના હુમલાની
આલોચના કરી હતી અને ફરીથી સંઘર્ષ વિરામ માટે વાતચીત શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો
હતો. આ દરમિયાન પાકિસ્તાને પણ સંઘર્ષ વિરામનું સમર્થન કર્યું હતું.
રાજદૂતોના હવાલાથી સામે આવેલા
રિપોર્ટસ અનુસાર રશિયા, ચીન અને પાકિસ્તાને તત્કાળ અને શરતો વિનાના સંઘર્ષ વિરામના
પ્રસ્તાવની માગ કરી હતી. મુસદ્દા ઉપર મતદાન ક્યારે કરવામાં આવશે તે અંગે હજી સુધી કોઈ
નિર્ણય સામે અવ્યો નથી. બેઠકમાં ત્રણ દેશ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ
પસાર કરવા માટે ઓછામાં ઓછા નવ મતની જરૂર હોય છે. સાથે જ અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન,
રશિયા કે ચીન દ્વારા વીટો થવો જોઈએ નહીં. અમેરિકા દ્વારા આ મુસદ્દાનો વિરોધ કરવામાં
આવશે તેવી સંભાવના છે.
શા માટે યુદ્ધમાં ઈરાનની મદદે
નથી આવતું રશિયા? : પુતિને આપ્યો જવાબ
પુતિને આવા સવાલોને જ ગણાવી દીધા
ઉશ્કેરણીજનક : આખું ઈઝરાયલ હવે રુસી ભાષા પણ બોલતું હોવાનો દાવો
નવી દિલ્હી, તા.23: ઈરાન-ઈઝરાયલનાં
યુદ્ધમાં રશિયાની ભૂમિકા અંગે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે ઉઠી રહેલા સવાલો વચ્ચે
આજે તેઓ ભડકી ગયા હતાં અને આવા પ્રશ્નોને તેમણે ઉશ્કેરણીજનક ગણાવી દીધા હતાં. આ ઉપરાંત
તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, આજનાં સમયમાં લગભગ આખું ઈઝરાયલ રુસી ભાષા
બોલે છે.
સેંટ પીટર્સબર્ગ આંતરરાષ્ટ્રીય
આર્થિક મંચમાં બોલતા પુતિને કહ્યું હતું કે, પૂર્વ સોવિયત સંઘ અને રશિયાનાં આશરે
20 લાખ લોકો ઈઝરાયલમાં વસે છે. આજે ત્યાંનાં મોટાભાગનાં લોકો રુસી ભાષા બોલે છે. અમે
રશિયાનાં સમકાલીન ઈતિહાસમાં કાયમ આ વાતને ધ્યાનમાં રાખીએ છીએ. આગળ તેમણે કહ્યું હતું
કે, રશિયાની 1પ ટકા આબાદી મુસ્લિમ છે અને રશિયા ઈસ્લામિક સહયોગ સંગઠનમાં પર્યવેક્ષકની
ભૂમિકામાં પણ છે.
ઉલ્લેખનીય છે કે, રશિયાએ દાયકાઓથી
મધ્યપૂર્વમાં એક નાજુક સંતુલન જાળવી રાખ્યું છે. ઈઝરાયલ સાથે પણ રશિયાને સારા સંબંધો
રહ્યા છે. તો ઈરાન સાથે મજબૂત આર્થિક અને સૈન્ય સંબંધો વિકસિત થયેલા છે. પુતિને કહ્યું
હતું કે, ઈરાન સાથે એક ભરોસાનો સંબંધ છે અને ઈરાનનાં બુશહરમાં પહેલા પરમાણુ ઊર્જા સંયત્રને
સ્થાપવામાં રશિયા તરફથી મદદ પણ કરવામાં આવેલી છે.