• મંગળવાર, 01 જુલાઈ, 2025

ઈરાનના પરમાણુ સ્થળો માટે ઘાતક બન્યા B-2 બોમ્બર

40 કલાકથી વધુ ચાલેલા મિશન માટે વપરાયેલા સ્પિરિટ સ્ટીલ્થ વિમાનની અનેક વિશેષતાઓ

વોશિંગ્ટન, તા. 22 : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હવાઈ હુમલા કરતાં પહેલાંથી જ ચાલી રહેલા સંઘર્ષ અને તણાવમાં વધારો થયો છે. આ દરમિયાન અમેરિકાનું હથિયાર પણ સમાચારમાં છે, જેનું નામ બી-2 સ્પિરિટ સ્ટીલ્થ છે અને તેણે ઈરાનમાં પર્વતોની નીચે 80 ટકા ઊંડા સ્થિત ફોર્ડો પરમાણુ સ્થળને પણ નિશાન બનાવ્યું હતું. ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારી અજય અહલાવતે રવિવારે એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, યુએસ બી-2 બોમ્બર વિમાનોએ મિઝોરીથી ઈરાન કેવી રીતે ઉડાન ભરી અને શસ્ત્રો છોડ્યા અને આ બોમ્બરની કિંમત કેટલી છે ? 

યુએસ બી-2 બોમ્બર વિમાનોએ અમેરિકાના મિઝોરીથી ઉડાન ભરી હતી અને ઈરાનના ત્રણ પરમાણુ સ્થળ - ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન પર શસ્ત્રો ફેંકીને સુરક્ષિત રીતે પાછા ફર્યા હતા. ખાસ વાત એ છે કે, આ બધું ત્યારે થયું જ્યારે આખી દુનિયા તેનું લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી.

અહલાવતે યુએસ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતાં આ બોમ્બરની ખાસિયત જણાવી હતી. તેમણે કહ્યું કે, બી-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર એક અદ્રશ્ય વિનાશક છે અને યુએસ એરફોર્સનું સૌથી અદ્યતન અને મોંઘું હથિયાર છે. તેની ખાસિયત એ છે કે, તે રડારમાં આવતું નથી. 

આ છે બી-2 બોમ્બરની કિંમત

નોર્થ્રોપ ગ્રુમેન દ્વારા ઉત્પાદિત બી-2 બોમ્બર, જે અમેરિકાના સૌથી મોંઘાં શસ્ત્રોમાંનું એક છે, તે વિશે અહલાવતે કહ્યું હતું કે, આવી ક્ષમતા માટે ઘણા પૈસાની જરૂર પડે છે, આનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે દરેક બી-2 વિમાનની કિંમત  2.2 બિલિયન (લગભગ રૂા. 19000 કરોડ)થી વધુ છે. એટલું જ નહીં, 13,600 કિલોગ્રામ બંકર બસ્ટર બોમ્બ જીબીયુ-57 જે તેના દ્વારા છોડવામાં આવ્યો હતો, તે 200 ફૂટ ઊંડા કોંક્રિટ બંકરોમાં પ્રવેશવાની ક્ષમતા ધરાવે છે, દરેક બોમ્બની કિંમત લગભગ 20 મિલિયન (લગભગ રૂા. 173 કરોડ) છે.

મિશન 40 કલાકથી વધુ ચાલ્યું

એક યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઈરાનના પરમાણુ સ્થળો પરના હુમલામાં બી-2 બોમ્બર્સ સામેલ હતા. આ વિમાનો મિઝોરીના વ્હાઇટમેન એરફોર્સ બેઝથી ઉડાન ભરી હતી, જે આ વિમાનનો એકમાત્ર ઓપરાટિંગ બેઝ હતો. આ મિશન 40 કલાકથી વધુ ચાલ્યું હતું. વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, આ બી-2 બોમ્બર્સ દ્વારા ઈરાનના પરમાણુ સ્થળોને બંકર-બસ્ટર બોમ્બથી નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે જીબીયુ-57 મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર બોમ્બનો સમાવેશ થાય છે, જે ખાસ કરીને ફોર્ડો જેવા ભૂગર્ભ સ્થળો પર હુમલો કરવા માટે રચાયેલા છે. 

જો આપણે બી-2 બોમ્બરની વિશેષતાઓ પર ટૂંકમાં નજર કરીએ તો, તે 69 ફૂટ લાંબું, 172 ફૂટ પહોળું અને 17 ફૂટ ઊંચું છે. તેનું વજન 71,700 કિલો છે, જ્યારે શસ્ત્રોથી સજ્જ થયા પછી, તેનું વજન 1.70 લાખ કિલો સુધી પહોંચે છે અને આટલા વજન સાથે તે સરળતાથી ઉડાન ભરી શકે છે અને તેના લક્ષ્યને સાધી શકે છે. અહેવાલો અનુસાર, હાલમાં અમેરિકા પાસે ફક્ત 20 બી-2 બોમ્બર છે. શીત યુદ્ધ પછી લાંબા અંતરના બોમ્બર્સની માંગ ઘટ્યા પછી અને તેનું પ્રથમ યુનિટ સ્પિરિટ ઓફ મિઝોરી, 1993માં પહોંચાડાયા પછી ફક્ત 21 બી-2 બોમ્બર બનાવવામાં આવ્યા હતા. તેની ગતિ 1010 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે રેન્જ 11000 કિલોમીટર છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક