• બુધવાર, 15 એપ્રિલ, 2026

સુરત : જીમ ટ્રેનરે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી પતિ પાસે 5 લાખની ખંડણી માગી

સુરત, તા.14: સુરતમાં જીમ ટ્રેનર દ્વારા આધેડ મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પતિ પાસે લાખોની ખંડણી માંગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એસ.ઓ.જી. પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી કે, સાતેક વર્ષ પહેલાં તેમની પત્ની સીટી લાઈટ વિસ્તારના એક જીમમાં જતી હતી, ત્યારે ટ્રેનર શબ્બીર અસગરભાઈ ટ્રંકવાલાએ નિકટતા કેળવી મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આ જીમ ટ્રેનરે મહિલાના ફોટા વાયરલ કરવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી મહિલાના પતિ પાસે 5 લાખ રૂપિયાની ખંડણી માગી હતી.

આરોપી શબ્બીર ટ્રંકવાલાએ બદનામીનો ડર બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરિયાદી પાસેથી અત્યાર સુધીમાં 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ ગંભીર ફરિયાદના આધારે એસ.ઓ.જી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ 42 વર્ષીય આરોપી શબ્બીરને ઝડપી પાડી પાલ પોલીસને સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જ પોલીસે જીમ સંચાલકોને આવી અનૈતિક પ્રવૃત્તિઓ રોકવા ચેતવણી આપી હતી, છતાં આ કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક