પરિવારજનો સહિતના લોકોની તપાસમાં પોલીસને કોઈ વિરોધાભાસ નથી જણાયો
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.14: અમદાવાદમાં ઢોસા ખાવાથી બે માસૂમ બાળકીના મૃત્યુના મામલે મંગળવારે પોલીસે જે
ડેરીમાંથી ખીરુ ખરીદવામાં આવ્યું હતું તેના બે કર્મચારીની પૂછપરછ કરી હતી. પોલીસ માટે
આ કેસ કોયડારૂપ બની ગયો છે. એક અઠવાડિયાથી વધુ સમય વિત્યો હોવા છતાં અને 30થી વધુ લોકોની
પૂછપરછ કરાઈ છતાં કોઈ જ નક્કર પરિણામ સામે આવ્યું નથી. પોલીસ મૃત બાળકીનો એફએસએલ તથા
વિશેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ રિપોર્ટ આવતા બેએક દિવસ લાગી શકે છે.
ગઈકાલે
પોલીસ દ્વારા બાળકીઓની માતાની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેણે બહારથી લવાયેલા ખીરામાંથી
ઢોસા ખાધા બાદ જ પરિવારજનોની તબિયત લથડી હોવાનું કારણ જણાવ્યું હતું. અગાઉ બાળકીઓના
પિતા વિમલ પ્રજાપતિની પણ સ્થાનિક પોલીસ અને ક્રાઈમબ્રાન્ચે તપાસ કરી હતી જેમાં તેણે
પણ ઢોસા ખાવાથી બાળકીઓના મોત થયાનું રટણ કર્યું હતું. ગતરોત પણ પતિ-પત્નીની રાત્રીના
બે વાગ્યા સુધી પોલીસે પૂછપરછ કરી હતી. પરિવારજનોની પૂછપરછમાં પોલીસને કોઈ વિરોધાભાસ
નથી જણાયો. જેથી પોલીસે જે ડેરીમાંથી ખીરુ લાવવામાં આવ્યું હતું તે ડેરીના વેપારીઓની
પૂછપરછ પણ શરૂ કરી છે.