હૈદરાબાદ, તા.14 : રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચેના મેચમાં દર્શકો અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી જેવા બિગ હિટર્સની ફટકાબાજી જોવા આવ્યા હતા, પણ સનરાઇઝર્સના બે નવોદિત બોલર પ્રફુલ્લ હિંગે અને સાકિબ હુસેને તહેલકો મચાવ્યો હતો. બન્નેએ ડેબ્યૂ મેચમાં કાતિલ બોલિંગ કરી 4-4 વિકેટ લીધી હતી. પ્રફુલ્લે તો પહેલી ઓવરમાં જ 3 વિકેટ ઝડપી નવો આઇપીએલ રેકોર્ડ બનાવ્યો હતો. મેચની પહેલી ઓવરમાં 3 વિકેટ લેનારો તે આઇપીએલ ઈતિહાસનો પહેલો બોલર બન્યો હતો. પ્રફુલ્લ હિંગે ડોમેસ્ટિક ક્રિકેટમાં વિદર્ભ તરફથી રમે છે. 24 વર્ષીય પ્રફુલ્લનો આ ફક્ત બીજો ટી-20 મેચ હતો. તેણે પાછલી રણજી ટ્રોફી સીઝનમાં 11 ઇનિંગમાં 16 વિકેટ લીધી હતી. અગાઉ એકમાત્ર ટી-20 મેચ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો. જેમાં 1 વિકેટ મળી હતી. સનરાઇઝર્સના નિયમિત કપ્તાન પેટ કમિન્સને તે આદર્શ માને છે. જ્યારે પૂર્વ ભારતીય બોલર ઉમેશ યાદવ પાસે તાલીમ લે છે.
સાકિબ
હુસેન અગાઉ સીએસકે અને ડીસીનો નેટ બોલર રહી ચૂક્યો છે. પાછલી સીઝનમાં કેકેઆરમાં સામેલ
હતો, પણ મેચ રમવાનો મોકો મળ્યો ન હતો. 21 વર્ષીય સાકિબ હુસેન ગોપલાગંજથી આવે છે. તે
બિહાર તરફથી 6 ફર્સ્ટ કલાસ મેચ અને 13 ટી-20 મેચ રમી ચૂક્યો છે. જેમાં 16 અને 14 વિકેટ
છે.