કેન્દ્ર અને રાજ્યોને નોટિસ જારી કરીને શિક્ષા અધિકાર વિશે માગ્યો જવાબ
નવીદિલ્હી, તા.14 : શિક્ષા અધિકાર
(આરટીઇ) અધિનિયમ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020ને સંપૂર્ણ રીતે અમલમાં લાવવાની
માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
પાસેથી જવાબ માગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની
બેન્ચે હરિપ્રિયા પટેલ દ્વારા દાખલ જનહિત અરજીની સુનાવણી દરમિયાન આ નોટિસ જારી કરી
હતી. અરજીમાં માગ કરવામાં આવી છે કે 6થી 14 વર્ષનાં બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણના
કાયદાનો કડક અમલ કરવામાં આવે અને સાથે જ સમગ્ર દેશમાં નવી શિક્ષણ નીતિની જોગવાઈઓને
અસરકારક અમલ થવો જોઈએ. સુનાવણી દરમિયાન અરજદારના
વકીલે સમગ્ર દેશમાં પ્રી-પ્રાઇમરી (પૂર્વ-પ્રાથમિક) શિક્ષણને ફરજિયાત બનાવવાની અને
તેને લાગુ કરવાની કાનૂની સ્થિતિ પર ભાર મૂક્યો. હાલ આરટીઈ કાયદો મુખ્યત્વે 6થી 14 વર્ષના
બાળકો પર કેન્દ્રિત છે, પરંતુ અરજદારનો દાવો છે કે બાળકોના વિકાસના પ્રારંભિક વર્ષો
પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે અને તેના માટે એક આદર્શ કાનૂની માળખું હોવું જરૂરી છે.
કોર્ટે આ મુદ્દાની ગંભીરતાને
ધ્યાનમાં રાખીને જણાવ્યું કે તે આ જોગવાઈઓની હાલની સ્થિતિની સમીક્ષા કરવા ઇચ્છે છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, અમેનોટિસ જારી કરી રહ્યા છીએ. અમે આ મામલાની તપાસ
કરવા માગીએ છીએ.