• બુધવાર, 15 એપ્રિલ, 2026

સૂર્યકુમાર પર લટકતી તલવાર : ઇંગ્લેન્ડ-આયરલેન્ડ પ્રવાસ ભવિષ્ય નક્કી કરશે

નવી દિલ્હી, તા.14: સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે ભલે ટી-20 વિશ્વ કપ ખિતાબ સફળતાપૂર્વક જાળવી રાખ્યો હોય, પણ તેના ફોર્મથી પસંદગીકારો ચિંતિત છે. આથી આગામી 2028 ઓલિમ્પિકમાં અને ટી-20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર ટીમ ઇન્ડિયાની યોજનાનો હિસ્સો બની રહેશે કે બાકાત થશે તે સવાલ સર્જાયો છે. આઇપીએલ પછી જૂન-જુલાઇમાં ભારતીય ટીમ આયરલેન્ડ-ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. જેમાં સૂર્યકુમારની કપ્તાની અને ખાસ તો તેના બેટિંગ ફોર્મ પર ચાંપતી નજર રહેશે. આ સિરીઝથી 1પ વર્ષીય વૈભવ સૂર્યવંશી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરે તેવી પૂરી સંભાવના છે.

સૂર્યકુમાર માટે 202પ વર્ષ ખરાબ રહ્યું હતું. તેનો સ્ટ્રાઇક રેટ 120થી નીચે આવી ગયો હતો. આખા વર્ષમાં એક જ અર્ધસદી કરી હતી. જો કે 2026ની શરૂઆતમાં 160 સ્ટ્રાઇક રેટથી 4 અર્ધસદી કરી વાપસીનો સંકેત આપ્યો હતો, પણ ટી-20 વિશ્વ કપમાં મહત્વના મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તે વર્લ્ડ કપમાં કોઇ મોટી ઇનિંગ રમી શકયો ન હતો. ફકત પહેલા મેચમાં અમેરિકા સામે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. જો કે હેડ કોચ ગંભીરનું સૂર્યકુમારને પૂરું સમર્થન છે અને તે કેપ્ટનની હાલ પહેલી પસંદ છે. જો કે પસંદગી સમિતિ અલગ વિચારે છે. 2028ના વર્લ્ડ કપ વખતે તે 38 વર્ષનો થઇ જશે. આગામી ઈંગ્લેન્ડ-આયરલેન્ડનો પ્રવાસ સૂર્યકુમારનું ભવિષ્ય નક્કી કરશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક