• બુધવાર, 15 એપ્રિલ, 2026

ફરી માવઠાનું સંકટ : રવિ અને સોમવારે કમોસમી વરસાદની આગાહી

19 અને 20 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી 

(અમારા પ્રતિનિધિ તરફથી )

અમદાવાદ, તા. 14: એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગુજરાતના હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. એકતરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

પાકિસ્તાન અને રાજસ્થાનની આસપાસ એક અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેમજ ઉત્તર પ્રદેશથી મણિપુર અને બિહારથી તમિલનાડુ સુધી વિસ્તરેલા ટ્રફને કારણે હવામાન પ્રણાલી પ્રભાવિત થઈ રહી છે. 15મી એપ્રિલની રાતથી પશ્ચિમ હિમાલયના પ્રદેશોમાં એક નવું નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના હોવાથી હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, 19મી એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 20મી એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. ઉનાળાના પાક અને માર્કેટ યાર્ડમાં પડેલી જણસીઓ માટે આ કમોસમી વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવામાનમાં આવતા આ સતત પલટાને કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

હવામાન નિષ્ણાતે કહ્યું હતું કે, આગામી 20થી 22 એપ્રિલ દરમિયાન હવામાન બદલાશે. દક્ષિણ પૂર્વ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે. 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.26 તારીખ પછી ફરી ગરમી વધવાની શક્યતાઓ છે. અનેક વિસ્તારોમાં તાપમાન 41થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં ચોમાસુ સામાન્યથી થોડુ સારું રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં 98 ટકા સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે. જો અરબ સાગરમાં ચક્રવાત કે લો પ્રેશર સિસ્ટમ સક્રિય બને તો વરસાદનું પ્રમાણ વધવાની સંભાવનાઓ છે. અંદામાન અને નિકોબાર વિસ્તારમાં 12થી 20 મે દરમિયાન ચોમાસું બેસી શકે છે. સમયસર વરસાદ પડતો રહે તો ઓછા પ્રમાણ છતાં કૃષિ પાકોને લાભ મળી શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાછોતર વરસાદની પણ શક્યતા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક