ઈરાન અને હોર્મુઝ મુદ્દે વાટાઘાટ : શાંતિ સ્થાપવામાં ભારતની ભૂમિકા શું હોઈ શકે તેની પણ વાત થઈ
નવી
દિલ્હી, તા.14: પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકાની શાંતિ મંત્રણા વિફળ રહ્યાં બાદ પહેલીવાર
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક
વાતચીત થઈ હતી. આ વાર્તાલાપ આશરે 40 મિનિટ ચાલ્યો હતો.
અમેરિકાનાં
રાજદૂત સર્જિયો ગોરે આ વિશે આજે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, હોર્મુઝની
નાકાબંધી સહિત પશ્ચિમ એશિયાની સ્થિતિ ઉપર ટ્રમ્પે મોદીની જાણકારી આપી હતી અને આ વર્ષમાં
બન્ને વચ્ચે ત્રીજીવાર ફોન ઉપર ચર્ચા થઈ છે જ્યારે ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ બન્ને વચ્ચે
બીજીવાર વાત થઈ છે.
સર્જિયો
ગોરે જણાવ્યું હતું કે, બન્ને નેતાઓ વચ્ચે અનેક ગંભીર મુદ્દે ચર્ચા થઈ હતી. તેમાં ખાસ
કરીને વર્તમાન તનાવમાં શાંતિ સ્થાપિત કરવા ભારતની ભૂમિકા શું હોઈ શકે તેનાં ઉપર પણ
મંથન કરવામાં આવ્યું હતું. આ વાતચીતનાં અંતે મોદીએ ટ્રમ્પને કહ્યું હતું કે, ભારતનાં
લોકો તમને ચાહે છે અને આ બાબત બન્ને દેશનાં ગાઢ સંબંધોને દર્શાવે છે. વડાપ્રધાન મોદીએ
આ વાતચીત વિશે કહ્યું હતું કે, ચર્ચામાં દ્વિપક્ષીય સહયોગમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિની
સમીક્ષા કરવામાં આવી હતી અને પશ્ચિમ એશિયાની સ્થિતિ ઉપર પણ વાત થઈ હતી. જેમાં હોર્મુઝને
ખુલ્લું અને સુરક્ષિત રાખવા અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.