• બુધવાર, 15 એપ્રિલ, 2026

દામનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : 57.89 લાખના વિદેશી દારૂ સાથે 6 ઝડપાયા

અમરેલી, તા.14 : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામે  સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન એક ગોડાઉનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ, વાહનો, મોબાઇલ અને રોકડ મળી કુલ 57.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે 6 આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે વધુ 6 આરોપીઓ ફરાર છે.

મળતી વિગત પ્રમાણે દારૂના ગેરકાયદે ધંધા પર લગામ લગાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાઠી તાલુકાના દામનગર ગામે ગુરુકુલ નજીક આવેલા એક ગોડાઉન પર દરોડો પાડતા પોલીસે 7,686 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 16.91 લાખ થાય છે. આ સાથે જ રેડ દરમિયાન 4 વાહન કિંમત રૂપિયા 40.40 લાખ, 7 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 55 હજાર અને રોકડ રકમ રૂપિયા 3,240 મળી કુલ મળી 57,89,864નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસ મુજબ જપ્ત કરાયેલો દારૂ આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગોવાના વિવિધ ડિસ્ટિલરીમાંથી બનાવવામાં આવ્યો હતો અને ગેરકાયદે રીતે દામનગર વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે 6 આરોપીને ઝડપી પાડયા છે. જેમાં દામનગરના કૌશિક ઉર્ફે કાવો ભરતભાઈ ગોહિલ અને વિષ્ણુપરી ગોસ્વામી, સિકંદર ઉર્ફે ભાભા કાલુભાઈ પઠાણ તથા જયેશ જાદવ( રે.બોટાદ) સહિત અમદાવાદ અને મહારાષ્ટ્રના આરોપીઓનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બન્ને દામનગરના સ્થાનિક આરોપીઓ દારૂના રિસિવર તરીકે કામ કરતા હતા, જ્યારે ટ્રક ડ્રાઇવર અને ક્લીનર પણ આ ગેરકાયદે વહિવટમાં સંડોવાયેલા હતા. આ કેસમાં કુલ 6 આરોપી ફરાર છે, જેમાં અમદાવાદનો વિરજ પ્રવીણચંદ્ર રાણા મુખ્ય સપ્લાયર તરીકે સામે આવ્યો છે

ઇ-પેપરના નવા શુલ્ક