• બુધવાર, 15 એપ્રિલ, 2026

ઉમરગામના મામલતદારનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

જે અન્યને આપઘાત ન કરવા સમજાવતા હતા તેમણે જ જીવન ટૂંકાવ્યું

સુરત, તા.14: વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદારે ગત મોડી રાત્રે ઉમરગામ રેલવે સ્ટેશન પર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે જાણ થતા જ જીઆરપીની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હાલ પોલીસ દ્વારા પરિવારના સભ્યોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉમરગામના મામલતદાર દલપતભાઈ છોટુભાઈએ ગત મોડી રાત્રે ટ્રેન સામે ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું હતું. ટ્રેનની અડફેટે આવતા જ દલપતભાઈના શરીરના ટુકડા થઈ ગયા હતા. રેલવે કિલોમીટર નંબર 144ના પોલ નંબર 14 અને 16ની મધ્યમાંથી દલપત ભાઈનો મૃતદેહ જીઆરપીની ટીમને મળી આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, દલપતભાઈ અગાઉ અનેક જાહેર મંચો પરથી લોકોને હતાશામાં આપઘાત ન કરવા અને હિંમતથી જીવન જીવવા માટે જાગૃત કરતા હતા. જેઓ અન્યને માર્ગદર્શન આપતા હતા, તેમણે જ આ પ્રકારે આત્મઘાતી પગલું ભરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક દલપતભાઈની અંતિમવિધિમાં અનેક રાજકરણીઓ પણ જોડયા હતા. મૃતક દલપતભાઈ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જટિલ કામગીરીમાં વ્યસ્ત હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક