ભારતના વિરોધ છતાં અરુણાચલને પોતાનો ભાગ ગણાવ્યો
નવી દિલ્હી, તા. 14 : ચીન સુધરવાનું
નામ લેતું નથી. ભારતના મજબૂત જવાબ પછી પણ ચીને અરુણાચલ પ્રદેશને લઈને ફરી એકવાર આપત્તિજનક
જવાબ આપ્યો છે અને દાવો કર્યો છે કે, અરુણાચલ પ્રદેશ એ જાંગનાન છે અને ચીનની સંપ્રભુતાને
લઈને તેનું નામ બદલી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતના વિદેશ મંત્રાલયે 12મી એપ્રિલે
જ જણાવ્યું હતું કે, આવા ખોટા દાવાઓ વાસ્તવિકતાને બદલી શકે એમ નથી અને અરુણાચલ પ્રદેશ
ભારતનું અભિન્ન અંગ છે. ચીનના વિદેશ મંત્રાલયે
આજે ફરી દાવો કર્યો હતો કે, અરુણાચલ પ્રદેશ એ હકીકતમાં જાંગનાન છે અને તેનું નામ બદલાઈ
શકે છે.
ચીને હાલમાં જ અરુણાચલ પ્રદેશના
23 સ્થાનનાં નામ બદલીને નવી યાદી જારી કરી હતી. તેણે દસ વર્ષમાં છઠ્ઠીવાર આવી હરકત
કરી છે. ચીને 2017ના અરુણાચલના વિસ્તારોની ખોટાં નામ સાથેની યાદી જાહેર કરી હતી અને
પછી અવારનવાર તેણે આ પ્રકારના દાવા કર્યા છે અને અરુણાચલને દક્ષિણ તિબેટનો ભાગ બતાવ્યો
છે. ભારતે દર વખતે ચીનને મજબૂત જવાબ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, અરુણાચલ પ્રદેશ
એ ભારતનો અભિન્ન ભાગ છે.