• બુધવાર, 15 એપ્રિલ, 2026

ફરી વાટાઘાટનાં ટેબલ ઉપર આવશે ઈરાન-અમેરિકા?

પાકિસ્તાનને શાંતિ મંત્રણાનો બીજો તબક્કો જલ્દી યોજાવાની આશા : નાકાબંધી વચ્ચે પણ ત્રણ જહાજે પાર કર્યુ હોર્મુઝ

અમેરિકા ઉપર ઉભું થઈ રહેલું વૈશ્વિક દબાણ : અમેરિકાનાં આરોપો સામે ચીને આપી જડબાતોડ જવાબની ચેતવણી

નવી દિલ્હી, તા.14: અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણ સામે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને આ સામુદ્રધુની બંધ કરી નાખતા આખી દુનિયામાં ઉર્જા સંકટ પેદા થઈ ગયું. આ ઉર્જા સંકટમાં હવે બળતામાં ઘી હોમવા જેવું પગલું અમેરિકાએ લીધું છે. ઈરાનનું નાક દબાવવા માટે અમેરિકાએ પણ હોર્મુઝની નાકાબંધી કરી નાખી અને ઈરાન પોતાની મનસુફી મુજબ જે કોઈપણ જહાજોને પસાર થવા દેતું હતું તેને પણ અટકાવવા માટે પોતાની નૌસેનાને તૈનાત કરી નાખી. જેના હિસાબે દુનિયામાં ઊર્જા સંકટ વધુ ઘેરાવાની આશંકા પેદા થઈ ગઈ છે. બન્ને તરફથી નાકાબંધી વચ્ચે પણ ત્રણ જહાજોએ હોર્મુઝ પાર કર્યાનાં અહેવાલો આવી રહ્યાં છે. હોર્મુઝની આ મડાગાંઠ ફરીથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની આગ વધુ ભડકાવે તેવી આશંકા વચ્ચે શાંતિ વાટાઘાટ માટે ચાલુ થયેલા નવેસરનાં કૂટનીતિક પ્રયાસોએ ફરી એકવાર શાંતિની આશાનું કિરણ પણ દેખાડયું છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર પાકિસ્તાને ફરીથી ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા ચરણની વાટાઘાટ માટે મધ્યસ્થતાની તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે પણ કહ્યું છે કે, ઈરાન સાથે સમજૂતી માટે થોડી પ્રગતિ થઈ છે. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દાવો કર્યો હતો કે, ઈરાન હવે અમેરિકા સાથે ડીલ કરવાં માગે છે. પાક.નાં રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે, વાટાઘાટનો આગામી તબક્કો જલ્દી થવાની આશા છે. દરમિયાન પાકે. આ નવી વાટાઘાટ માટે ઈરાનને સમજાવવા કૂટનીતિ શરૂ કરી હોવાનાં અહેવાલો પણ આવી રહ્યાં છે.

ઈરાને અમેરિકા અને ઈઝરાયલનાં સમર્થક દેશો માટે હોર્મુઝ બંધ કરી દીધા બાદ પણ ભારત અને ચીન જેવા પોતાનાં મિત્ર દેશોનાં જહાજોને ત્યાંથી સુરક્ષિત માર્ગ આપેલો. જો કે, અમેરિકાની નાકાબંધીથી ઈરાનનાં મિત્ર દેશો પણ મુશ્કેલીમાં મૂકાઈ જાય તેવી સ્થિતિ પેદા થઈ. જેને પગલે ચીને અમેરિકાને સાફ શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી કે, તે ઈરાન સાથેની વેપાર સમજૂતીને વરેલું છે અને હોર્મુઝમાંથી ચીનનાં જહાજને રોકવાનો કોઈએ પ્રયાસ કરવો નહીં. આમ, ચીન અને અમેરિકા સામસામે આવી ગયા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન ઉપર ઈરાનને હથિયાર પૂરા પાડવાનો આરોપ  લગાવીને નવા ટેરિફની ધમકી આપી દીધી હતી. જેની સામે ચીને ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જો આવા કોઈ મનઘડંત આરોપોનાં આધારે કાર્યવાહી થશે તો ચીન પણ જડબાતોડ જવાબ આપશે.

હોર્મુઝની નાકાબંધી કરીને અમેરિકા હવે પોતાનાં મિત્ર રાષ્ટ્રો વચ્ચે પણ અળખામણું પડી ગયા જેવી હાલત છે. હવે સાઉદી અરબે પણ અમેરિકાને નાકાબંધી હટાવીને વાટાઘાટનાં ટેબલ ઉપર આવવા દબાણ શરૂ કરી દીધું છે. સાઉદી અરબે આ નાકાબંધીથી હાલત વકરે તેવી ચેતવણી આપી છે. તો બ્રિટનનાં નાણામંત્રી રાહેલ રીવ્સે કહ્યું હતું કે, આ યુદ્ધમાં ઉતરી ગયા બાદ અમેરિકા અને ઈઝરાયલ પાસે આમાંથી નીકળવાની કોઈ સ્પષ્ટ રણનીતિનો અભાવ વર્તાઈ રહ્યો છે. બીજીબાજુ ચીને રશિયા, યુએઈ અને સ્પેન સાથે બેઠક યોજીને આ મડાગાંઠ ઉકેલવા માટે ચર્ચા કરી હતી. તો ફ્રાન્સ અને બ્રિટન પણ એક વીડિયો કોન્ફરન્સ યોજીને હોર્મુઝમાં જહાજોની સલામતી અંગે ચર્ચા કરવાનાં છે. આમ, આ જળમાર્ગ ખોલવા માટે હવે અમેરિકા ઉપર ધીમેધીમે ચોતરફી દબાણ ઉભું થઈ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક