• બુધવાર, 15 એપ્રિલ, 2026

વડાપ્રધાન મોદીને દેશદ્રોહી ગણાવતા રાહુલ

મોદીનો કંટ્રોલ ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં : બંગાળમાં ચૂંટણી સભા ગજવતા કોંગ્રેસ નેતાનો હુમલો

નવીદિલ્હી, તા.14 : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર હુમલો બોલાવ્યો હતો અને તેમને દેશદ્રોહી પણ ગણાવી નાખ્યા હતા.

રાહુલ ગાંધીએ માલદાની રેલીમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી દેશભક્ત નથી બલકે દેશદ્રોહી છે. અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોને ભારે નુકસાન પહોંચાડશે. જેના હિસાબે દેશમાં મોટાપાયે રોજગાર સંકટ સર્જાશે. આ દરમિયાન રાહુલે એસઆઇઆરની વાત પણ કરી હતી. રાહુલે કહ્યું કે, મતદાર યાદીની ગહન સુધારણા(સર)માં મોટી સંખ્યામાં લોકોનાં નામ કમી કરી નાખવામાં આવ્યાં તે ગેરબંધારણીય છે. લોકોનાં નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

રાહુલે આગળ સભાને સંબોધતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીનું પૂરો કંટ્રોલ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે છે. ટ્રમ્પ જો કહે કે તમે ઠેકડો મારો તો તેઓ કૂદશે. તે કહેશે કે મારી સામે ઝૂકી જાઓ તો ઝૂકી જશે. રાહુલે આગળ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન મોદીએ અમેરિકા માટે ભારતનું સંવેદનશીલ કૃષિ ક્ષેત્ર પણ ખોલી નાખ્યું છે. આ લોકોએ અમેરિકા સાથે ઓઇલ ખરીદવાનાં કરાર પણ કરી લીધા છે. આપણે કહી દીધું છે કે, જો અમે અન્ય કોઈ દેશ પાસેથી ઓઇલ ખરીદ કરીશું તો પહેલા તમને પૂછી લેશું. ટ્રમ્પ સામે તો પીએમ મોદી ફક્ત યસ સર, યસ સર જ કરે છે. ભારતના લોકોનો તમામ ડેટા પણ નરેન્દ્ર મોદીએ અમેરિકાને આપી દીધો છે. ટ્રમ્પને કહેવામાં આવ્યું છે કે, દર વર્ષે 9 લાખ કરોડનો માલ અમેરિકા પાસેથી ખરીદાશે. જે પ્રકારની આ વેપાર સમજૂતી થઈ છે તેનાથી સ્પષ્ટ છે કે, વડાપ્રધાન મોદી દેશદ્રોહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક