(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.14: ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્ત્વનો ચુકાદો આપતા બેવડી હત્યાના કેસમાં આરોપીને
ફટકારેલી ફાંસીની સજાને રદ કરતો હુકમ કર્યો છે. હાઈકોર્ટના મતે ફરિયાદ પક્ષ નક્કર અને
નિર્ણાયક પુરાવા રજૂ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ટ્રાયલ કોર્ટનો ચુકાદો શંકા,
અનુમાન અને કલ્પના આધારિત હોય તે કાયદાના સિદ્ધાંતો વિરુદ્ધ હોવાનું કોર્ટે અવલોકન
કર્યું હતું.
કોર્ટે
તેના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ફોજદારી ન્યાયશાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત એ
છે કે જ્યાં સુધી આરોપીનો દોષ મજબૂત પુરાવાના આધારે સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ
માનવામાં આવે છે. માત્ર મજબૂત સંજોગો પુરાવાનું સ્થાન લઈ શકતા નથી. આ કેસ અમદાવાદમાં
એક મહિલાના પતિ અને સાસુની હત્યા સાથે સંબંધિત છે. ફરિયાદ પક્ષના મતે આરોપીનો મહિલા
સાથે ગેરકાયદે સંબંધ હતો અને આ જ કારણસર તેણે બન્નેની હત્યા કરી નાખી હતી. જોકે હાઈકોર્ટે
નોંધ્યું હતું કે, કથિત કબૂલાતને પુરાવા તરીકે સ્વીકારવામાં આવી ન હતી કારણ કે પોલીસ
સમક્ષ આપેલા નિવેદનો ભારતીય પુરાવા અધિનિયમની હેઠળ અસ્વીકાર્ય છે. સીસીટીવી ફૂટેજને
પણ પુરાવા તરીકે નકારી કાઢવામાં આવ્યા હતા કારણ કે તે ફરજિયાત જરૂરી પ્રમાણપત્ર વિના
સબમિટ કરાયા હતા. હત્યાના હેતુ અંગે કોર્ટે નોંધ્યું કે, મૃતકના સંબંધીઓ કે તેમના પડોશીઓએ
આરોપી અને મહિલા વચ્ચે કોઈ સંબંધ હોવાની પુષ્ટિ કરી નથી. પરિણામે હત્યા પાછળનો કથિત
હેતુ સ્થાપિત થઈ શક્યો નથી. તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આરોપીને ટ્રાયલ
કોર્ટે ફટકારેલી સજા અને મૃત્યુદંડની સજા બંનેને રદ કરી અને અપીલને મંજૂરી આપી હતી.